સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વિડીયો પોસ્ટ મુકી સ્પષ્ટતા કરી: મારે આ દુર્ઘટના સાથે વ્યક્તિગત રીતે કશું લાગે વળગતું નથી, માત્ર નાની ગેરસમજણને કારણે પોલીસે મને આરોપી ગણી લીધો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
ક્યારેક કોઈની ગેરસમજ કોઈના માટે કેટલી મુશ્કેલી ઊભી કરે છે તે ટીઆરપી ગેમ ઝોનની આગની દુર્ઘટના બાદ વાઇરલ થયેલા એક ફોટોગ્રાફે સાબિત કરી દીધું છે. જેમને આરોપી ગણીને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો તે વાસ્તવમાં રાજકોટના મારવાડી જૈન પરિવારના અંકુરભાઈ શાંખલા છે. તેઓ શુટિંગ શટિંગ શોરૂમ ધરાવે છે અને ઘટનાના દિવસે માનવતાની દ્રષ્ટિએ ત્યાં પહોંચ્યા હતા. અંકુરભાઈ શાંખલાના જણાવ્યા અનુસાર ટીઆરપી ગેમ ઝોન માં આગ લાગી અને સમાચાર મળતા તેઓ મિત્ર સાથે માત્ર માનવતાના ધોરણે ત્યાં ગયા હતા પરંતુ ગેરસમજને કારણે પોલીસ મને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ મેં મારી ઓળખના પુરાવા આપતા અને પોલીસને પણ પોતાની ભૂલ સમજાતા મને જવા દીધો હતો. તેમણે એમ પણ કહ્યું છે કે મીડિયા જગતમાં અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હું આરોપી છું તેવા ફોટોગ્રાફ વાયરલ થતા મને અને મારા પરિવારજનોને ઘણી માનસિક યાતના થઈ છે. અન્ય શહેરોમાં રહેતા સગા વ્હાલા પણ ચિંતામાં પડી ગયા છે. આવા સંજોગોમાં મારે આ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી પણ મને વ્યક્તિગત રીતે ઓળખે છે અને તે દિવસે તેઓ ત્યાં હાજર હતા એટલે તેઓ પોલીસને એવું કહેતા હતા કે તમે જે માનો છો એ આ ભાઈ નથી આ ભાઈ અંકુરભાઈ શાંખલા છે.. છતાં એ દિવસની ધમાલમાં પોલીસ ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી. હું ફરીવાર કહું છું કે મારે આ દુર્ઘટના સાથે વ્યક્તિગત રીતે કશું લાગે વળગતું નથી. માત્ર નાની ગેરસમજણને કારણે પોલીસે મને આરોપી ગણી લીધો હતો પરંતુ ત્યારબાદ સ્પષ્ટતા થઈ જતા અને જવા દીધો હતો તેવું પણ અંકુરભાઈ શાંખલાએ અંતમાં જણાવ્યું છે. અંકુરભાઈ શાંખલા રાજકોટની સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વિવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ પણ કરે છે.
- Advertisement -