કુલ 10 જેટલા ઠરાવોને સર્વાનુમત્તે બહાલી અપાશે
રાજકોટ મનપાની વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી-બઢતી અંગે અને મનસુખ સાગઠિયા તેમજ ખેરને સસ્પેન્ડ કર્યા અંગેનો રિપોર્ટ રજૂ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર સભાની સાધારણ દ્વિમાસિક મિટીંગ તા. 18 ને ગુરુવારે સવારે 11 કલાકે મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે બીજા માળે આવેલા રમેશભાઈ છાયા સભાગૃહમાં યોજાશે. જેમાં કુલ 10 જેટલા ઠરાવને બહાલી આપવામાં આવશે.
- Advertisement -
તા. 18ના યોજાનારી સાધારણ દ્વિમાસિક મિટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં. 3 નાના મવા અંતિમ ખંડ નં. 4 પૈકી (વાણિજ્ય વેચાણ) હેતુ પ્લોટની ફાળવણી રદ કરવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુક્ત થતાં કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદ્ભવેલ વિસંગતતા દૂર કરવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાની માર્કેટ શાખામાં એન્કોચમેન્ટ રિમુવલ ઈન્સ્પેકટરની હંગામી ઉપસ્થિત કરેલી નવ જગ્યાઓને કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા અંગે, શહેરના વોર્ડ નં. 12માં વાવડીને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં કડીયાનાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા અંગે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓની કાર્યવાહી સંબંધી નિયમોમાં જરૂરી સુધારા કરવા અંગે, શહેરના વોર્ડ નં. 18માં સ્વાતિ પાર્ક, સાત રસ્તા પર આવેલા ચોકનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ચોક નામકરણ કરવા અંગે, શહેરના વોર્ડ નં. 16માં કોઠારિયા મેઈન રોડ પર આવેલા કેદારનાથ સોસાયટી મેઈન રોડનું ઉકાભાઈ નનાભાઈ લાવડીયા માર્ગ નામકરણ કરવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયાને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા અંગેનો રિપોર્ટ રજૂ કરવા બાબતે અને અંતમાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા અંગેનો રિપોર્ટ રજૂ કરવા બાબત સહિતના ઠરાવોને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવશે.