જિલ્લામાં દવાયુક્ત 27000 મચ્છરદાનીનું વિતરણ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં જુલાઇ મહિનાને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લઘુ શિબીર, પ્રદર્શન શિબિર, મચ્છરદાની વિતરણ તેમજ ચોમાસામાં પાણી ભરાતા બિન ઉપયોગ ટાયરો, ભંગાર, વાસણો, માટલા કે અન્ય વાસણોને નાશ કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી રહી છે. મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત જોખમી ગામોમાં મેલેરીયા રોગ અંગે જાગૃતિ કેળવવા શિબિર તથા સર્વેલન્સ કેમ્પ યોજવામાં આવી રહ્યાં છે. 125 લઘુ શિબિર તથા 40 પ્રદર્શન શિબિર યોજવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટર ખાતે ગપ્પી ફિશ, સ્થળ પર નિદાન કીટ, લાંબાગાળાની મચ્છરદાની, જીવંત મચ્છર તથા મચ્છરના લારવા લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે.
- Advertisement -
વર્ષ 2022 દરમિયાન જિલ્લાના મેલેરીયા માટે જોખમી ગામોની લોકોને વાહકજન્ય રોગથી રક્ષિત કરવા માટે 27000 લાંબાગાળાની દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું. જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ ફેરણી દરમિયાન 3860 જુથ ચર્ચા યોજવામાં આવશે. જિલ્લાના ગામોમાં 350 વાહકજન્ય રોગ નિયંત્રણ અંગેના સુત્રો તથા 10 વોલ પેઇન્ટીગ કરવામાં આવ્યા છે. 300 પોસ્ટર લગાવવા તથા 6000 પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. તે ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી ભરાઇને મચ્છર ઉત્પતિ કેન્દ્રો બને તેવા બિન ઉપયોગી ટાયરો, ભંગાર, વાસણો, માટલા કે અન્ય વાસણોનો નાશ કરાવવા અંગેની ઝૂંબેશ કામગીરી કરવામાં આવી રહી છે.



