દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો: આંદરણા ગામના શખ્સ પાસેથી ₹37 હજારનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
- Advertisement -
રાજ્યમાં નશીલા પદાર્થોના વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી એસ.ઓ.જી. (જખઈ)ની ટીમે હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે હાઈવે પર આવેલી એક હોટલમાં દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં હોટલની આડમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઈવે પર અદાણી સી.એન.જી. પંપ નજીક આવેલી ‘દ્વારકાધીશ હોટલ’નો માલિક રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા (ભરવાડ) પોતાની હોટલમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખીને ખાનગીમાં ગ્રાહકોને વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે હોટલ પર ઓચિંતો દરોડો પાડતા 34 વર્ષીય રૈયાભાઇ બાંભવા (રહે. આંદરણા) મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપી પાસેથી 9.48 ગ્રામ મેફેડ્રોન પાવડર (કિંમત ₹28,440), ડ્રગ્સના વેચાણની રોકડ રકમ ₹3,400 તથા એક મોબાઈલ ફોન મળી કુલ ₹37,340નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (ગઉઙજ) એક્ટની વિવિધ કલમો હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.



