1થી 4 વાગ્યા સુધી બપોરે સિગ્નલ બંધ રાખવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ફક્ત રાજ્યની નહીં પરંતુ દેશનું સૌથી ગરમ શહેર રાજકોટ બની ગયું છે. માર્ચની શરુઆતમાં જ પારો સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે બપોરના સમયે રાજમાર્ગો પર નીકળતા વાહનચાલકો ટ્રાફિક સિગ્નલ પર ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોને કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં મિનિટો સુધી ઊભા રહેવું પડે છે, જેને પગલે હવે બપોરે 1થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવા માટે વાહનચાલકોની માંગ પ્રબળ બની છે.
શહેરમાં કાલઝાળ ગરમીને કારણે બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવતા હોય છે પરંતુ આ વખતે હજી સિગ્નલ બંધ નહીં થતાં વાહનચાલાકો હાલાકી વેઠી રહ્યા છે. કેટલાક સિગ્નલો પર તો બે મિનિટ કે તેથી વધુ સમય સુધી ઉભા રહેવું પડતું હોય છે પરિણામે બપોરે ગરમીથી રાહત અપાવતો નિર્ણય લેવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરવામાં આવી છે. શહેરના મુખ્ય સર્કલો જેમ કે 150 ફૂટ રિંગરોડ, કેકવી ચોક, હોસ્પિટલ ચોક અને રૈયા રોડ પર સિગ્નલનો સમય 120 સેક્ધડ (2 મિનિટ)થી પણ વધુ હોય છે. ખુલ્લા રોડ પર સિગ્નલ પાસે ઊભા રહેતા દ્વિચક્રી વાહનચાલકો સીધા સૂર્યપ્રકાશ અને ગરમ પવનોનો શિકાર બની રહ્યા છે. લાંબો સમય તડકામાં ઊભા રહેવાથી હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનની શક્યતા વધી જાય છે. ખાસ કરીને બપોરે કામ અર્થે નીકળવું પડે ત્યારે સિગ્નલ પર 2-3 મિનિટ ઊભા રહેવું એટલે ભઠ્ઠીમાં શેકાવા જેવો અનુભવ થાય છે. આ મામલે તંત્રએ માનવતાવાદી અભિગમ અપનાવી તાત્કાલિક સિગ્નલ બંધ કરવા જોઈએ. લોકોની માંગ છે કે જ્યાં સુધી ગરમીનું જોર ઓછું ન થાય ત્યાં સુધી બપોરે 1:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ ’બ્લિંકિંગ મોડ’ (પીળી લાઈટ) પર રાખવા જોઈએ અથવા ટ્રાફિક જવાન દ્વારા મેન્યુઅલી સંચાલન કરવું જોઈએ જેથી વાહનોને લાંબો સમય થોભવું ન પડે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે ક્યારે સંવેદનશીલ નિર્ણય લે છે.



