100 નવી મીની ટીપર સહિતની 38 દરખાસ્તને સ્ટેન્ડિંગમાં મંજૂરી
હોટલ, રિસોર્ટ, વોટરપાર્ક, સિનેમાઘરો સહિતની પ્રોપર્ટીને એક વર્ષનો વેરો માફ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 2400 જેટલા પરિવારનો પીવાના પાણીના પ્રશ્ર્નનો હલ માટે રૂા. 6.17 કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામને મંજૂરી મળી હતી તેમજ હોટલ, રિસોર્ટ, સિનેમાઘરો સહિતની પ્રોપર્ટીનો છેલ્લાં એક વર્ષનો વેરો માફ ઉપરાંત 100 નવી મીની ટીપરવાન સહિતની 38 દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોનાને કારણે હોટલ, રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને જીમના પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા એક વર્ષનો 3 કરોડનો વેરો માફ કરવામાં આવ્યો છે તેમજ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીનો એક વર્ષના આ તમામ મિલકતધારકોના વેરામાં રાહત આપવામાં આવી છે. જે આસામીએ વેરો ભરી દીધો હશે તેને ટેક્સ પરત કરવામાં આવશે. મનપાને રાજ્ય સરકાર દ્વારા વેરા માફીની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
- Advertisement -
ઘંટેશ્ર્વર ગામ રાજકોટમાં ભળ્યા બાદ ગામના નાગેશ્ર્વર વિસ્તારમાં પીવાના પાણી માટે નવી લાઈન મંજૂર કરવા દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા નવી પાઈપલાઈન નાખવા માટે 6.17 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ કારણે આ વિસ્તારના 4 હજારથી વધુ ઘરના લોકોને પાણી પુરવઠાની અનિયમિતતામાંથી રાહત ઉપરાંત હજુ જે નવા વિસ્તારો છે તેમાં પાણી વિતરણના આયોજન માટે ડિઝાઈન એન્જિનિયરિંગ ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત મૂકાઈ હતી. આથી નવા વિસ્તારોને શક્ય તેટલી ઝડપથી પાણીની સુવિધા આપી શકાય. આ ઉપરાંત મુંજકામાં સંજય વાટિકા તથા પ્રશીલ પાર્ક તેમજ અન્ય વિસ્તારોમાં 300થી 100 એમ.એમ.ની નવી પાણીની લાઈન નખાશે. નવી 100 વાન ખરીદવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના પર પણ મંજૂરીની મહોર લાગી હતી.