18,000 રૂપિયાની થાળી, 7,50,000 પ્રતિ નાઈટનો રૂમ!
મોરબીનાં વિખ્યાત ઉદ્યોગપતિની પુત્રી સાથે થશે લગ્ન!
રાજકોટનાં કોઈ પરિવારે ક્યારેય ન યોજ્યા હોય તેવાં શાહી-શાનદાર-રજવાડી લગ્ન શહેરનાં એક સુવિખ્યાત ઉદ્યોગપતિનાં પુત્રરત્નનાં થવાનાં છે. આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે, એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને તેનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થવાનાં છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટેલ્સ’ દ્વારા સંચાલિત છે અને તેની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટેલ્સમાં થાય છે.
ત્રણ દિવસ સુધી લગ્નમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાશે

- Advertisement -
રાજકોટનાં ઉદ્યોગપતિનાં પુત્રનાં આ લગ્નનાં ત્રણ દિવસનાં ફંકશન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાનાં છે. એક દિવસ ઐશ્ર્વર્યા મજમુદાર પરફોર્મ કરશે, એક રાત્રે સચિન-જીગરનો સંગીત જલ્સો છે તો બોલિવૂડ નાઈટ પણ છે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના વિખ્યાત કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.
રાજકોટથી ત્રણ ચાર્ટર ફ્લાઈટ સીધી જોધપુર જશે: તારીખ 14, 15, 16 નવેમ્બર માટે આખી ઉમેદભવન પેલેસ હોટલ બૂક કરી, અજીતભવન પેલેસ હોટલ પણ આખી બૂક કરી લેવાઈ
સચિન-જીગર, ઐશ્ર્વર્યા મજમુદાર સહિતનાં કલાકારો ધૂમ મચાવશે, બોલિવૂડ નાઈટનું પણ આયોજન

- Advertisement -
તારીખ 16 નવેમ્બરનાં દિવસે જોધપુર ખાતે યોજાનાર આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલનાં તમામ 70 રૂમ બૂક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતી અજીતભવન પેલેસનાં તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બૂક કરી દેવામાં આવ્યા છે!
લકઝરીથી લથબથ એવાં આ લગ્ન ઠેઠ રાજસ્થાનનાં જોધપુર ખાતે થઈ રહ્યું છે. તેથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં ક્ધયા-વર પક્ષનાં 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે.
આવા શાહી લગ્ન જે ઉદ્યોગપતિનાં પુત્રનાં થવાનાં છે- તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં નામના ધરાવે છે અને તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પોઝિટિવ ઊર્જાથી ભરપૂર અને સદા સ્મીત વેરતા આ ઉદ્યોગપતિ ભામાશા તરીકે પણ મશહૂર છે.
મહેમાનો માટે પીરસાશે 18 હજાર રૂપિયાની થાળી

ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ 18 હજાર રૂપિયા છે. એમાં થાળી-વાટકા-ચમચીનો સમાવેશ થતો નથી- એ બધું ત્યાં જ પાછું આપી દેવાનું છે!
મોંઘીદાટ હોટેલ: હનીમૂન સ્યૂટનું એક રાતનું ભાડું સાડા સાત લાખ!

જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી માંહેની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં 50 હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! ઉમેદભવન પેલેસ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ વિશ્વનું એક સૌથી મોટા નીજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં 347 ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ 26 એકરની જમીનમાં પથરાયેલું છે જેમાં 3.5 એકર પર મહેલ બંધાયેલો છે અને 15 એકર પર બગીચા છે. આ પેલેસ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો કેમકે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ પેલેસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે – આરામદાયક વૈભવી હોટેલ (1972થી) – તાજ, રાજ પરિવારનું નિવાસસ્થાન અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય જેમાં ચિત્રો, હથિયારો, તલવારો, અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત છે.
લગ્ન સ્થળ મેહરાન ગઢ ફોર્ટ એટલે ભવ્ય ઈતિહાસનો સાક્ષી
રજવાડાઓનો ગૌરવ માનવામાં આવતા મેહરાન ગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુર શહેરમાં સ્થિત છે. આ કિલ્લાનો ઇતિહાસ 500 વર્ષથી પણ વધુ જૂનો છે. આ કિલ્લો ભારતનો સૌથી મોટો કિલ્લો માનવામાં આવે છે. જોધપુરમાં સ્થિત આ કિલ્લો ખૂબ ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. આ કિલ્લાના સાત દરવાજા છે અને આ કિલ્લો જોધપુરના રાઠોડ વંશના શાસક રાવ જોધાએ બનાવ્યો હતો. આ વિશાળ કિલ્લાની અંદર મોતી મહેલ, શીશ મહેલ વગેરે જેવા નાના અને ખૂબ સુંદર બિલ્ડિંગ્સ બનાવવામાં આવી છે.



