પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહીના આદેશને પાલિકા ઘોળીને પી ગયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ધ્રાંગધ્રા શહેરમાં બી યુ પરમિશન વગર ધમધમતા ગેરકાયદેસર ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલ સાથે નગરપાલિકા તંત્રને જાણે શું પ્રેમ છે ? તે સમજવું થોડું અઘરું છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે પાલિકા તંત્ર અને ડોકટર હાઉસ સંચાલક બંને એક બીજાના એવા તે સંકલનમાં છે કે પ્રાંત અધિકારીના તત્કાલ કાર્યવાહીના આદેશને પણ પાલિકા તંત્ર ઘોળીને પી ગયું છે. વાત જાણે એમ છે કે ધ્રાંગધ્રાના ડોકટર હાઉસ હોસ્પિટલમાં છત પર લગાવેલા ગેરકાયદેસર સેડ અને ફાયર સેફટીના સાધનો મુદ્દે અગાઉ થયેલ રજૂઆત અને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને સ્થાનિક પાલિકા તંત્રને દબાણ આવતા એકાદ વર્ષ પૂર્વે નોટિસ ફટકારી હતી પરંતુ આ નોટિસ માત્ર નાટ્યાત્મક હોય તે પ્રકારે એક બાદ એક નોટિસો આપી અને અંતિમ નોટિસ 23 સપ્ટેમ્બર 2024ના રોજ ડોકટર હાઉસની ઈમારતનું વપરાશ બંધ કરવાં માટે જણાવ્યું હતું જે બાદ ડોકટર હાઉસના સંચાલકે ઇમ્પેક્ટ ફાઇલ મુદ્દે ઓનલાઈન અરજી દાખલ કરી આખોય મામલો અભેરાઈ પર ચડાવી દેવા માટેની યુક્તિ અજમાવી હતી અને તેમાં થોડા અંશે પાલિકા તંત્ર પણ સફળ રહ્યું હતું પરંતુ જે બાદ ગત મહિને થયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરીથી ડોકટર હાઉસ અંગેનો પ્રશ્ન રજૂ થતા પ્રાંત અધિકારી દ્વારા ટીપી કમિટીના જીતીપીઓને સ્પષ્ટ પણે એક અઠવાડિયામાં ઇમારત સીલ કરવા માટે આદેશ કર્યો હતો જોકે પાલિકા તંત્ર ડોકટર હાઉસના સંચાલકને રીતસરનું છાવરતું હોય તે પ્રકારે પ્રાંત અધિકારી દ્વારા 29 મે સુધી એટલે કે એક અઠવાડિયામાં ઇમારત સીલ કરવાના આદેશને ઘોળીને પી ગયું હતું કારણ કે નગરપાલિકા દ્વારા 29 મે સુધી તો ડોકટર હાઉસને નોટિસ પણ આપી નથી જોકે નગરપાલિકાએ નોટિસ તૈયાર કરી હતી અને એમાંય હજુ તો એક અઠવાડિયાનો વધુ સમય આપી માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટેનો ઉલ્લેખ કરાયો છે એટલે કે સ્પષ્ટ પણે નગરપાલિકા તંત્ર દ્વારા ડોકટર હાઉસ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા માટે નાટ્યાત્મક નોટિસને કાર્યવાહી કરી છે.