જેમ ડૉ. ખૂંટે પોતે જ પોતાની ભરતી બહાર પાડી તેમ ડૉ. ઝાલાવડિયા પોતે જ પોતાનો રિપોર્ટ ભરશે?
ટઈ જોશીએ મૂલ્યાંકન અહેવાલ વિના પ્રોબેશન પર રહેલા પ્રોફેસરને પાંચ વર્ષ માટે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ બનાવી દેતાં દેકારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મનોવિજ્ઞાન ભવનમાં ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવવામાં તમામ નીતિ-નિયમો નેવે મૂકાયા છે તો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ડૉ. રંજન ખૂંટને ફિઝિકલ હેન્ડીકેપની બેઠક પર પ્રોફેસર બનાવવા સુવ્યવસ્થિત ગોઠવણ કરી દેવામાં આવી છે. આ વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પણ એન્ટ્રી થઈ ચૂકી છે અને તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો સામે આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી ઉગ્ર માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ‘ખાસ-ખબર’ દ્વારા હેડશિપ બાય રોટેશનની નીતિના અમલમાં થયેલી ગેરરીતિ ઉપરાંત ફિઝિકલ હેન્ડીકેપની બેઠક પર થનાર ભરતી અંગેના અહેવાલથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામી છે. જે રીતે ડૉ. રંજન ખૂંટ હાલ મહેકમ – અ એટલે કે ટીચિંગ વિભાગના હેડ છે અને પોતે જ પોતાની ભરતી માટેની જાહેરાત બહાર પાડી હોવાનું સામે આવ્યું છે એવી રીતે હવે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. તરલિકા ઝાલાવડિયા પોતે જ પોતાના પ્રોબેશનના પ્રથમ વર્ષનો પીબીએએસ રિપોર્ટ ભરે તો નવાઈ નહીં.
હકીકતમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અને સ્ટેચ્યૂટ 2024 મુજબ પ્રોબેશન પર રહેલા પ્રોફેસરને કાયમી કરવા માટે પ્રોબેશન પિરિયડ, આ પિરિયડ દરમિયાન પ્રોફેસરનું શિક્ષણ અને અધ્યાપન, સંશોધન કાર્ય, વહીવટી અને વધારાની ફરજો, વર્તન અને શિસ્ત વગેરેનું મૂલ્યાંકન કરતો રિપોર્ટ બનાવવાનો હોય છે. આ રિપોર્ટ ભવનના અધ્યક્ષ પાસેથી પ્રોબેશન પર રહેલા પ્રોફેસરે મેળવવાનો રહે છે. મનોવિજ્ઞાન ભવનમાં આ રિપોર્ટ અધ્યક્ષ પ્રોફેસરને નહીં પરંતુ અધ્યક્ષ ખુદ જ પોતાને આપશે એવો ઘાટ સર્જાયો છે.
- Advertisement -
મનોવિજ્ઞાન ભવનના તત્કાલીન અધ્યક્ષ ડૉ. યોગેશ જોગશન પ્રોબેશન પર રહેલા પ્રોફેસર ડૉ. તરલિકા ઝાલાવડિયાનો પીબીએએસ રિપોર્ટ આપે તે પૂર્વે જ તેઓને અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને જેઓ હજુ પ્રોબેશન પર જ છે ઉપરાંત જેમનો પીબીએએસ રિપોર્ટ પણ ભવનના અધ્યક્ષ તરફથી આપવામાં આવ્યો નથી તેવા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા!
શિક્ષણ જગતના જાણકારો અહીં કુલપતિ ઉત્પલ જોશી સામે સવાલ કરી રહ્યા છે કે, આખરે પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાનું મૂલ્યાંકન કર્યા કે પીબીએએસ રિપોર્ટ આવ્યા વિના તેઓને પાંચ વર્ષ માટે અધ્યક્ષ કેવી રીતે બનાવી શકાય? આ સ્પષ્ટ કરે છે કે, ડૉ. તરલિકા ઝાલાવડિયાને મનોવિજ્ઞાન ભવનમાં અધ્યક્ષ બનાવવા પાછળ કુલપતિ ડૉ. ઉત્પલ જોશી સહિતનાઓએ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. હવે ભવનના અધ્યક્ષનો પીબીએએસ રિપોર્ટ વિના જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયા અધ્યક્ષ બની જતા તેઓ જ અધ્યક્ષ તરીકે પોતાનો રિપોર્ટ પોતાના માટે ભરશે કે કેમ એ સવાલ ઉપસ્થિત થયો છે.