બાલસખા યોજના થકી કૌભાંડ આચરનાર ડૉકટરની દાદાગીરી
તાલુકા પોલીસ સ્ટેશનનાં P.I. ધોળાએ અરજીનો જવાબ મેળવવા બે વખત ડૉ. પંડ્યાને ફોન કર્યો, ડૉકટર સાહેબે કહ્યું કે, ‘હમણાં સમય નથી!’
આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઑફિસરની ડુપ્લિકેટ સહીનાં મામલે યોગ્ય તપાસ થાય તો ડૉ.પંડ્યાનાં તપેલાં ચડી જાય ડૉકટર પાસે કૌભાંડો આચરવાનો સમય છે, ઘઙઉ માટે સમય છે, કાયદાકીય પ્રક્રિયા માટે નથી!
ખાસ-ખબર સંવાદદાતા
‘બાલસખા’ યોજનાનો ગેરલાભ ઉઠાવી, આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઑફિસરની બોગસ સહી કરીને બાળક દીઠ પચાસ હજાર ચાંઉ કરી જવાનાં ડૉ. પ્રિતેશ પંડ્યા (કલરવ હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ પાસે, 150 ફૂટ રિંગ રોડ)ના કારનામાઓનો ‘ખાસ-ખબર’એ કાલે પર્દાફાશ કર્યો હતો. આ ઘટસ્ફોટ પછી અન્ય કેટલીક નવી માહિતી ‘ખાસ-ખબર’ને પ્રાપ્ત થઈ છે.
તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. ધોળાએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, ડૉકટરને અરજીનો જવાબ લખાવવા આવવા માટે તેમણે બે વખત ફોન કર્યો હતો પરંતુ ડૉ. પંડ્યાએ પોતે વ્યસ્ત હોવાનું બહાનું ધર્યું હતું અને હાજર રહ્યાં ન હતાં. ડૉ. પંડ્યા પાસે OPD અને સારવાર માટે સમય છે પરંતુ પોલીસ સ્ટેશન જવા માટે નથી, એ વાત ખરેખર નવાઈજનક ગણાય. ટૂંકમાં કહી શકાય કે પોતાનું પાપ ઢાંકવા ડૉ. પંડ્યા પોલીસથી ભાગતા ફરે છે.
- Advertisement -
શું સામાન્યજનનો આવો જવાબ પોલીસ સહન કરે?
તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટર ધોળાએ ડૉ. પ્રિતેશ પંડ્યાને જવાબ લખાવવા હાજર થવા ફોન કર્યો તો ડૉ. પંડ્યાએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે, ‘હું હમણાં બીઝી છું, નહીં આવી શકું!’ સવાલ એ છે કે, આટલાં ગંભીર મામલે જેની પર આરોપ હોય તે પોલીસ સ્ટેશને હાજર થવાનો ઈન્કાર કેવી રીતે કરી શકે? ડૉ. પ્રિતેશ જો બહુ વ્યસ્ત હોય તો તેને ટિંગાટોળી કરીને ઉપાડી લાવવો જોઈએ. સવાલ એ પણ છે કે, ગંભીર મામલે કોઈ સામાન્યજન આવી રીતે હાજર રહેવા ઈન્કાર કરે તો પોલીસ તેની હાલત કેવી કરે!
શું છે સમગ્ર મામલો?
રાજકોટ શહેરનાં નવજ્યોત પાર્ક મેઈન રોડ નજીક, 150 ફૂટ રિંગરોડ પાસે આવેલ કલરવ હોસ્પિટલનાં ડો. પ્રિતેશ પંડ્યાએ સરકારની બાલસખા યોજના-3 અંતર્ગત મસમોટું કૌભાંડ આચર્યું છે. બાલસખા યોજના-3ના લાભ માટે સરકારી આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઑફિસરની સહી ફરજીયાત છે. કલરવ હોસ્પિટલનાં ડો. પંડ્યાએ બાલસખા યોજનાના અનેક ફોર્મ પર બોગસ નામો લખીને લાગુ પડતાં આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઑફિસરની સહી જાતે જ ઠપકારી દીધી અને પૈસા ક્લેઈમ કરી લીધા છે. ડો. પ્રિતેશ પંડ્યાનું આ કરતૂત આમ તો કદી બહાર જ ન આવ્યું હોત પરંતુ ગાંધીનગરનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓને શંકા જતાં તેમણે કેટલાંક પગલાં લીધાં અને વાત બહાર આવવાની શરૂઆત થઈ. હવે જ્યારે આ આખું કૌભાંડ જગજાહેર થઈ ચૂક્યું છે ત્યારે હજુ સુધી કલવર હોસ્પિટલનાં ડો. પ્રિતેશ પંડ્યા વિરુદ્ધ હજુ સીધુ કોઈ પોલીસ કાર્યવાહી કેમ નથી થઈ એ શંકાનો સવાલ છે.




