ગુજરાતમાં અંગ્રેજી વિષયના પ્રથમ સિનિયર પ્રોફેસર બનવાનો ગૌરવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડો. દિલિપસિંહ પી. બારડ ગુજરાત રાજ્યમાં અંગ્રેજી વિષયના સૌપ્રથમ સિનિયર પ્રોફેસર તરીકે બઢતી મેળવનાર શિક્ષક બન્યા છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભાવનગર યુનિવર્સિટીમાં તેમની ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તેમના વિદ્યાર્થીઓ, સહકર્મીઓ અને વરિષ્ઠ અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. જયદીપસિંહ ડોડીયા, માતુશ્રી વીરબાઈ મહિલા કોલેજના ડો. ઇરોસ વાજા અને વિરાણી સાયન્સ કોલેજના ડો. નિહારિકા રાવત દ્વારા ડો. બારડને શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ડો. બારડે છેલ્લા અનેક દાયકાઓથી શિક્ષણક્ષેત્રે નવા અભિગમો અને નવીન શૈક્ષણિક પહેલો દ્વારા અગણિત વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનીને કાર્ય કર્યું છે. અંગ્રેજી ભાષા અને સાહિત્ય પ્રત્યેની તેમની નિષ્ઠા અને સંસ્કારી શિક્ષણશૈલી તેમને શિક્ષણજગતમાં અનન્ય બનાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભવનમાં પ્રોફેસર ડો. જયદીપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ થોમસ હાર્ડીની નવલકથાઓ વિષય પર સંશોધન કરી તેમણે પીએચ.ડી. ઉપાધિ મેળવી હતી. આજે એ જ ક્ષેત્રમાં તેમણે ગુજરાતને નવો ગૌરવ અપાવ્યું છે.
શૈક્ષણિક ક્ષેત્રમાં ડો. બારડના પ્રયોગાત્મક અભિગમને ખાસ વખાણ મળ્યા છે. તેમણે બ્લેન્ડેડ લર્નિંગ, ડિજિટલ હ્યુમેનિટીઝ અને સાહિત્ય અભ્યાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો પર નવી દિશા દર્શાવી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ બ્લોગ, વિડિયો લેક્ચર અને ઑનલાઇન અભ્યાસક્રમો દ્વારા નવી શૈક્ષણિક ઉંચાઈઓ સર કરી છે.
ડો. બારડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, સેમિનાર અને વેબિનારમાં આમંત્રિત વક્તા તરીકે સક્રિય રહ્યા છે. શિક્ષણની નવી રાષ્ટ્રીય નીતિ અને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર તેમના વિચારો શિક્ષણક્ષેત્રમાં નવા દિશાસૂચક સાબિત થયા છે.
તેમના સન્માનથી માત્ર ભાવનગર યુનિવર્સિટી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણજગતમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ડો. દિલિપસિંહ બારડને અભિનંદન પાઠવી તેમના તેજસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.



