કોઈ લિંક્સ નહીં, કોઈ OTP નહીં – માલવેર તમારા ફોનને હેક કરવા માટે ફક્ત એક છબી ખોલવી પૂરતું છે.
વોટ્સએપ ઉપર મોકલેલો ફોટોગ્રાફ ડાઉનલોડ કરતાં જ મોબાઈલથી નેટબેન્કિંગ કરાતું હોય તો એકાઉન્ટ હેક કરી પૈસા ઉપાડી લેવાની પદ્ધતિ સ્ટેગ્નોગ્રાફી તરીકે ઓળખાય છે.
- Advertisement -
ઓનલાઈન બેન્કિંગના જમાનામાં દરરોજ સવાર પડેને ઈ-ચીટિંગની નવી પદ્ધતિની માહિતી સામે આવે છે. છેતરપિંડી આચરવા માટે મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરથી ઓનલાઈન બેન્કિંગ કે એટીએમ કે ઓટીપી ફ્રોડની 100થી વધુ પદ્ધતીઓ અમલમાં છે. પોલીસ અને લોકો જાગૃત બની રહ્યાં છે, ત્યાં હવે વોટ્સએપ ઉપર માત્ર ફોટોગ્રાફ મોકલીને બેન્ક ખાતું હેક કરી લેવાની ઠગાઈની નવી ચોંકાવનારી પદ્ધતિ આવી છે. જાણકારો કહે છે કે, વોટ્સએપમાં અજાણ્યા નંબરથી કોઈપણ ફોટોગ્રાફ મોકલાય છે. આ ફોટો સાથે કોડ સામેલ હોય છે જે સામાન્ય લોકોને ખબર પડતી નથી. વોટ્સએપ ઉપર મોકલેલો ફોટોગ્રાફ ડાઉનલોડ કરતાં જ મોબાઈલથી નેટબેન્કિંગ કરાતું હોય તો એકાઉન્ટ હેક કરી પૈસા ઉપાડી લેવાની પદ્ધતિ સ્ટેગ્નોગ્રાફી તરીકે ઓળખાય છે.
સાયબર ચાંચિયાઓની સ્ટેગ્નોગ્રાફી નામની સાવ નવી પદ્ધતિ
સાવ નવતર પ્રકારનું સાયબર ચીટિંગ વોટ્સએપથી કરવામાં આવે છે. ચેતવણીરૂપ માહિતી આપતા સૂત્રોના જણાવ્યાનુસાર, વોટ્સએપ ઉપર ફોટોગ્રાફ મોકલવામાં આવે છે. અજાણ્યા નંબર ઉપરથી આવેલો ફોટોગ્રાફ તમે ડાઉનલોડ કરો તે સાથે જ તમારી સાથે ઈ-ચીટિંગની પ્રક્રિયા શરૂ થાય છે. સાયબર ચાંચિયાઓ હવે સ્ટેગ્નોગ્રાફી નામની સાવ નવી પદ્ધતિનો ઉપયોગ કરી ઈ-ચિટર્સ હવે ફોટોગ્રાફ સાથે એક કોડ મોકલે છે. અજાણ્યા નંબર ઉપરથી વોટ્સએપ કરી ફોટો મોકલવામાં આવે તે સાથે જ પૂછવામાં આવે છે કે, આપ આ વ્યક્તિને ઓળખો છો? સ્વાભાવિક રીતે જ ઉત્સુકતા ખાતર પણ વોટ્સએપમાં આવેલી વ્યક્તિ કોણ છે તે જોવા માટે ફોટોગ્રાફ ડાઉનલોડ કરવામાં આવે છે. ફોટો ડાઉનલોડ કરવામાં આવતાં જ ફોન હેક થઈ જાય છે. આ ફોન દ્વારા જ નેટ બેન્કિંગ કરવામાં આવતું હોય તો મિનિટોમાં જ તમારા એકાઉન્ટને ખાલી કરી દેવામાં આવે છે.
- Advertisement -
આ સાયબર હુમલાથી બચવા માટે શું કરવું?
અત્યાર સુધી ઈ-ચીટિંગ કરનારાં લોકો ઓટોપી મેળવવા પ્રયાસ કરતાં હતાં, એક લિન્ક મોકલે તેના ઉપરથી તમે લોગઈન કરો તો એકાઉન્ટ હેક થતું હતું. પણ માન્યામાં ન આવે તેવી પદ્ધતિથી વોટ્સએપમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા અને અજાણ્યા નંબર ઉપરથી મોકલાયેલો એક ફોટો ડાઉનલોડ કરવામાં આવતાં જ મોબાઈલ ફોન સાથે જોડાયેલી બેન્ક એકાઉન્ટની ડીટેઈલ્સ, પાસવર્ડ, ઓટીપી ઉપરાંત મોબાઈલમાં રહેલી ખાનગી બાબતો સહિતની વિગતો ફોન હેક કરીને સાયબર ચાંચિયા મેળવી શકે છે. આ પ્રકારના સાયબર હુમલાથી બચવા માટે સૌ પ્રથમ તો મોબાઈલ ફોનમાં ફોટોગ્રાફ ઓટો ડાઉનલોડ ઓપ્શન બંધ રાખવો જરૂરી છે. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતો ફોટોગ્રાફ જરાપણ શંકાસ્પદ લાગે તો ડાઉનલોડ કરવો હિતાવહ નથી. આવા નંબર્સને બ્લોક કરી દેવા હિતાવહ છે. મોબાઈલ ફોન થકી ચીટિંગની નવી નવી પદ્ધતિઓ દરરોજ શોધી કાઢતી ટોળકીઓ વિદેશમાં સક્રિય છે. વિદેશથી સંચાલિત ટોળકીઓ માટે ગુજરાત સહિત દેશમાં કાર્યરત યુવકોને ઝડપી લેવા સંયુક્ત પોલીસ કાર્યવાહી આરંભાઈ છે. સાયબર ચીટિંગની ગુજરાતની 265 સહિત કુલ 2500 ફરિયાદો વિતેલા 6 મહીનામાં નેશનલ સાયબર પોર્ટલને મળી છે. છેલ્લા 6 મહીનામાં 89 ભારતીય બેન્ક ખાતાંઓમાંથી 1455 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયાંની વિગતો ગુજરાત પોલીસની તપાસમાં ખુલી છે.
સુરત પોલીસે એક કૌભાંડ ઉજાગર કર્યો
સુરત પોલીસે એક કૌભાંડ પકડી સુરતના ત્રણ યુવકોને 165 બેનામી બેન્ક ખાતાં ખોલાવી કરોડો રૂપિયાની હવાલાથી હેરાફેરીના આરોપસર પકડ્યા છે. ડીજીટલ એરેસ્ટ છેતરપિંડી, હવાલા, સટ્ટા બેટિંગ, સ્ટોક માર્કેટ ફ્રોડ, ઓટીપી ફ્રોડ અને ઓનલાઈન ચીટિંગના નાણાંની હેરાફેરી આ ખાતાંઓથી કરાઈ હતી. સુરતથી પકડાયેલા ત્રણ આરોપી ક્યુબા, થાઈલેન્ડ અને મલેશિયાથી કૌભાંડ ચલાવતા ટોળકીના સંચાલકો સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતા. તોસ્તાન કમિશન માટે બેન્ક ખાતાંઓ ભાડે લાવી આપવાનું કામ કરતાં હતાં. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ટીમો સાથે સંકલનમાં સાયબર ક્રાઈમના 12 કિસ્સા ઉકેલ્યા છે. કમ્બોડિયા અને નેપાલથી સંચાલન કરતી ચાઈનિઝ સાબર ક્રાઈમ ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી 6 લોકોને પકડી પાડ્યા હતા.
નેપાળની હોટલમાંથી સંચાલિત આ ગેંગ દ્વારા ટેલિગ્રામ દ્વારા 49 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ટોળકી સામે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર કુલ 200 ફરિયાદો આવી હતી. ગુજરાતમાં સાયબર ક્રાઈમ સેલએ નેપાળ અને દુબઈથી ચલાવાતા સાયબર ક્રાઈમના અનેક કારસ્તાન પકડ્યાં છે. નાણાંની હેરાફેરીના મોટા કિસ્સાની તપાસમાં ઈડી અને સીબીઆઈ પણ જોડાય છે. જો કે, આ બધી કાર્યવાહી નાગરિકો છેતરાય તે પછીની છે. દરરોજ નવા-નવા નુસ્ખા અપનાવીને છેતરતાં સાયબર-ગઠિયાઓની ચાલબાજી નિષ્ફળ બનાવવા માટે દરેક મોબાઈલ ફોનધારક સતર્ક રહે તે વઘુ હિતાવહ છે.
સાયબર ચાંચિયા સવા વર્ષમાં દેશવાસીઓના 1761 કરોડ લઈ ગયાં, ૬૭૨ કરોડ જ ફ્રીઝ
દેશમાં સાયબર ફ્રોડથી નાગરિકોના કુલ 1761 કરોડ રૂપિયા જાન્યુઆરી 2024થી એપ્રિલ-2025 સુધીના દોઢ વર્ષમાં સાયબર ચાંચિયાઓ લઈ ગયાં છે. આ પૈકીની 672 કરોડ રૂપિયાની રોકડ ટ્રેસ થઈ છે અથવા તો પોલીસે ફ્રીઝ કરેલી છે. 2024માં લોકોને 295 કરોડ પરત અપાયાં હતાં તે ચાલુ વર્ષે 97 કરોડ રૂપિયાની રકમ પરત અપાઈ છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં લોકોએ ગુમાવેલા નાણાંનો આંકડો 2941 કરોડ રૂપિયા થવા જાય છે. તાજેતરમાં ગુજરાત સરકારે તેરા તુજકો અર્પણ નામે સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ ચાલુ કર્યું છે. જાન્યુઆરી 2024થી એપ્રિલ 2025 દરમિયાન ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમથી લોકોએ ગુમાવેલા નાણાંમાંથી 147 કરોડ રૂપિયા રિકવર કર્યાં છે.
ગુજરાત સાયબર સેલના એસ.પી. ધર્મેન્દ્ર શર્મા કહે છે કે, ‘સાયબર ક્રાઈમનો ભોગ બન્યાના 8 કલાકમાં જ ફરિયાદ કરવામાં આવે તો પૈસા પરત મળવાની શક્યતા 80 ટકા થઈ જાય છે.’
ગુજરાતમાં પૈસા રિકવર કરવાનો રેશિયો વધ્યો
ગુજરાતમાં ડીજીટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના કિસ્સા વધ્યા છે. ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસ આવા ગુના આચરતી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને ઓરિસાની ટોળકીઓ સુધી પહોંચવા જે-તે રાજ્યની પોલીસ સાથે સંકલન સાધી કામગીરી કરી રહી છે. આથી, સાયબર ફ્રોડના કિસ્સાઓમાં પૈસા રિકવર કરવાનો રેશિયો સતત વધી રહ્યો છે. વર્ષ 2020માં 11.5 ટકા, 2021માં 13 ટકા અને હવે વર્ષ 2025માં 23 ટકા કિસ્સામાં પૈસા પરત અપાવી શકાયાં છે.
ઓપરેશન ચક્ર-વીઃ આઠ રાજ્યોમાં 42 સ્થળે દરોડા
રાજસ્થાનથી ઈન્ટરનેશનલ કોલ કરીને વર્ચ્યુઅલ એરેસ્ટ કરતી ટોળકી પકડી 2.80 કરોડ રૂપિયા ડીજીટલ કેશ અને બાવીસ લાખ રોકડા કબજે કરી તપાસ શરૂ છે. ઓક્ટોબર 2023થી જાન્યુઆરી- 2024 દરમિયાન ડીજીટલ એરેસ્ટ કરીને 7.67 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસની તપાસ રાજસ્થાન પોલીસ પાસેથી સીબીઆઈને સોંપાઈ હતી.
સીબીઆઈએ ઓપરેશન ચક્ર-વી અંતર્ગત આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેમ ચીટિંગના પૈસાની હેરાફેરી અને નેટવર્ક અંગે ગેરકાયદે સીમકાર્ડ અને બનાવટી બેન્ક ખાતાઓ મુદ્દે આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉારપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તામિલનાડુમાં 42 સ્થળોએ દરોડા પાડીને પાંચ ઓપરેટરોની ઊંડાણભરી તપાસ હાથ ધરી છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 19 સ્થળોએ તપાસ કરી ઈ-ચીટિંગ કરતાં બે કોલ સેન્ટર પકડી સીબીઆઈએ સાયબર ક્રાઈમ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે.