સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા અને વધુ લાઈક મેળવવા માટે અવનવા કિમીયા
રાજકોટના એક જાગૃત નાગરિકે પોલીસ કમિશનરને આવેદન પાઠવી કરી રજૂઆત
- Advertisement -
તૃપ્તિ સાવલિયાએ ગન સાથે પોસ્ટ કરી તો ગુનો દાખલ, જ્યારે રાજેશ ધુલેશીયા સામે કોઈ કાયદાકીય પગલા નહીં
ખાસ-ખબર સંવાદદાતા
હાલ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા અને વધુ લાઈક મેળવવા માટે યુવક-યુવતી અવનવા કિમીયા કરતા હોય છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય માધ્યમોમાં લોકો વીડિયો કે ફોટા ગન સાથે મુકતા હોય છે. જે ગેરકાયદે ગણાય છે ત્યારે 21 જૂલાઈના રોજ તૃપ્તિ સાવલિયા નામની યુવતીએ સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફાયરીંગ કરતી હોવાની પોસ્ટ વાયરલ કરી હતી. જેને લઈને રાજકોટ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી. જે મુદ્દે રાજકોટના એક જાગૃત નાગરિકે પોલીસ કમિશનરને અરજી કરી છે કે, તૃપ્તિ સાવલિયા વિરુદ્ધ પોલીસે કાયદાકીય પગલા લીધા જ્યારે આ પહેલા રાજેશ ધુલેશીયા નામના વ્યક્તિએ ગન સાથે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કર્યો જ્યારે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આમ રાજકોટ પોલીસના બેવડા ધોરણો સામે આવ્યા છે.
જાગૃત નાગરિકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે, તૃપ્તિ સાવલિયાએ સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફાયરિંગ કરતા હોય તેવી પોસ્ટ વાયરલ કરી હચતી જ્યારે રાજેશ ધુલેશીયાએ પણ ગન સાથે ફોટો વાયરલ કર્યો હતો. રાજકોટ પોલીસનું ધ્યાન દોરવા માંગુ છું કે, જો તૃપ્તિ સાવલિયાએ વીડિયો વાયરલ કરી ગુનો કર્યો છે તો રાજેશ ધુલેશીયાએ પણ ગુનો કર્યો છે તો તેની સામે પોલીસે કેમ કાર્યવાહી ન કરી. રાજકોટ પોલીસના આ બેવડા ધોરણો સામે પગલા લેવા અરજ છે.
પોલીસ કમિશનરને આપેલા આવેદન મુજબ જાગૃત નાગરિકે રજૂઆત કરી છે કે, અગાઉ પોલીસ કમિશનર વખતે રાજકોટ પોલીસ સામે અનેક આક્ષેપો થયા હતા. જો રાજેશ ધુલેશીયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તો આવા તત્વોને વધુ પ્રોત્સાહન મળશે. તો તેની જવાબદારી તંત્રની રહેશે. તો મારી વિનંતી છે કે, સોશિયલ મીડિયા પર ગન અથવા અન્ય હથિયાર સાથે ફોટા કે, વીડિયો શેર કરનારા સામે પણ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. રાજેશભાઈ કુરજીભાઈ ધુલેશીયાની સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઈ હતી. જેમાં તેના હાથમાં ગન દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે આવેલી રાધેકૃષ્ણ સોસાયટીના રહેવાસી રાજેશભાઈએ સીન સપાટા કરવા ગન હાથમાં રાખી સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી. રાજેશભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મારી પાસે ગનનું લાયસન્સ નથી. જ્યારે લાયસન્સ ધારક વ્યક્તિ પણ આવી રીતે સોશિયલ મીડિયા પર તસવીર કે પોસ્ટ મુકી શકતી નથી. હાથમાં ગન રાખીને તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરવી તે કાયદાકીય રીતે ગુનો ગણાય છે.
- Advertisement -
ખાસ ખબરે અગાઉ અહેવાલ પ્રકાશિત કર્યો હતો
ખાસ ખબરે અગાઉ અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, સોશિયલ મીડિયા પર રાજેશ ધુલેશીયા નામના વ્યક્તિએ ગન સાથે પોસ્ટ વાયરલ કરી હતી. જે અંગે રાજેશ ધુલેશીયાએ જણાવ્યું હતું કે, આ ગન તેની નથી. છતા આજ દિન સુધી રાજેશ ધુલેશીયા પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.