સાહિત્ય સેતુ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી: પૂર્વ કમિશનર આર. પી. જોશી સહિત ત્રણેય વાચકોના ઘરે જઈ સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક સંસ્થા ’સાહિત્ય સેતુ રાજકોટ’ દ્વારા તા. 14 થી 20 નવેમ્બર દરમિયાન ઉજવાઈ રહેલા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. પ્રવર્તમાન ડિજિટલ યુગમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળે તેવા શુભ આશયથી સંસ્થાએ શહેરના ત્રણ શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું તેમના નિવાસસ્થાને જઈને સન્માન કર્યું હતું.
સન્માનિત થનારાઓમાં નિવૃત્ત આસિસ્ટન્ટ સેલ્સટેક્સ કમિશનર અને સાહિત્ય મર્મી આર. પી. જોશી, ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર, અને જેટકોના નિવૃત્ત ચીફ એન્જિનિયર સંજયભાઈ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
આર. પી. જોશીનું સન્માન જાણીતા કવિ સંજુ વાળાના હસ્તે, ઘનશ્યામભાઈ ઠક્કરનું શરદભાઈ દવેના હસ્તે અને સંજયભાઈ ઉપાધ્યાયનું શૈલેષભાઈ શાહના હસ્તે સુતરની આંટી, ખેસ અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સન્માનિત ત્રણેય શ્રેષ્ઠ વાચકોએ જણાવ્યું હતું કે તેઓ રોજ નિયમિત 4 થી 5 કલાક વાંચન કરે છે અને વાંચન તેમના જીવનમાં ખૂબ ઉપયોગી નીવડ્યું છે. આ કાર્યક્રમમાં કવિ દલપત ચાવડા, પ્રાધ્યાપક સુનીલ જાદવ સહિતના સાહિત્યિક સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.



