ઈરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો: વિશ્ર્વભરના મુસ્લિમોને એક થવા અપીલ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાનના સૌથી સિનિયર શિયા ધર્મગુરુ, ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસિર મકારિમ શિરાઝીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે એક ધાર્મિક ફતવો બહાર પાડ્યો છે. તેમણે આ બંને નેતાને અલ્લાહના દુશ્મન કહ્યા છે. તેમણે વિશ્ર્વભરના મુસ્લિમોને એક થવા અને ઈરાન પર હુમલો કરવા બદલ આ નેતાઓને પસ્તાવો કરવા મજબૂર કરવા માટે પણ કહ્યું છે.
મકારિમ શિરાઝીએ તેમના ફતવામાં કહ્યું, જે કોઈ ઈરાનના સર્વોચ્ચ નેતા અથવા કોઈપણ મરજાને નુકસાન પહોંચાડવાનો અથવા ધમકી આપવાનો પ્રયાસ કરશે તે મોહરિબ હશે, એટલે કે યુદ્ધને પસંદ કરનાર ગુનેગાર હશે. ફતવો એ ઇસ્લામિક કાયદાનું અર્થઘટન છે. એ મરજા દ્વારા જારી કરવામાં આવે છે. મરજા બારાહ ઇમામીને શિયા મુસ્લિમોનું સર્વોચ્ચ ધાર્મિક પદ કહેવામાં આવે છે.
ઈરાને ઈઝરાયલ સાથે યુદ્ધવિરામ પર શંકા વ્યક્ત કરી. ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અબ્દુલરહીમ મુસવીએ રવિવારે સાઉદી રક્ષામંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાન સાથે ફોન પર વાતચીતમાં કહ્યું – અમને દુશ્ર્મન (ઈઝરાયલ) સાથે યુદ્ધવિરામ પર શંકા છે. જો ફરીથી કોઈ હુમલો થશે તો અમે કરારો જવાબ આપીશું.
મુસવીએ કહ્યું હતું કે જ્યારે ઈરાન અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટોમાં વ્યસ્ત હતું ત્યારે ઈઝરાયલે તેના પર હુમલો કર્યો અને અમેરિકાએ તેનું સમર્થન કર્યું. આ દર્શાવે છે કે આ બંને દેશો કોઈપણ આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદાઓનું પાલન કરતા નથી.
- Advertisement -
તેમણે એમ પણ કહ્યું, અમે યુદ્ધ શરૂ કર્યું નહોતું, પરંતુ અમે અમારી સંપૂર્ણ તાકાતથી હુમલાખોરને જવાબ આપ્યો. બંને અધિકારીઓએ સંરક્ષણ સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલી લડાઈ બાદ 24 જૂને યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની જાહેરાત કરી છે. આ યુદ્ધમાં ઈરાનના 610 અને ઇઝરાયલના 28 લોકો માર્યા ગયા હતા. તો આ તરફ યુએનની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (ઈંઅઊઅ)એ રવિવારે કહ્યું હતું કે ઈરાન થોડા મહિનામાં પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરી શકે છે. જ્યારે અમેરિકાએ ઇ-2 બોમ્બરોથી હુમલો કરીને ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળોનો નાશ કરવાનો દાવો કર્યો હતો.
IAEAના ડિરેક્ટર રાફેલ ગ્રોસીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈરાનની કેટલીક ન્યૂક્લિયર ફેસિલિટી હજુ પણ અકબંધ છે. તેમણે કહ્યું, ઈરાન પાસે 60% શુદ્ધ યુરેનિયમનો ભંડાર છે, જે પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતો છે. આ ભંડાર અમેરિકાના હુમલા પહેલાં દૂર કરવામાં આવ્યો હતો કે એનો નાશ કરવામાં આવ્યો હતો, એ હજુ સુધી એ સ્પષ્ટ નથી.



