ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં મહિલા સામે ઘરેલું હિંસાના કેસોમાં વર્ષ પ્રતિ વર્ષ વધારો થઈ રહ્યો છે. 2025માં અત્યાર સુધી 67 હજારથી વધુ મહિલાઓ ઘરેલું હિંસાનો ભોગ બની ચૂકી છે, જે સરેરાશ દરરોજ 206 કેસ થાય છે. મહિલાઓ માટેની 181 ‘અભયમ્’ હેલ્પલાઇન પર આ વર્ષે 1.68 લાખથી વધુ કોલ્સ નોંધાયા છે, જેમાંથી 40 ટકા કોલ્સ માત્ર ઘરેલુ હિંસા સંબંધિત છે. આ આંકડા સમાજની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. જિલ્લાવાર જોવામાં આવે તો 2025માં અમદાવાદ સૌથી આગળ છે, જ્યાં 33,869 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12,414, રાજકોટમાં 11,781, વડોદરામાં 11,308 અને ભાવનગરમાં 6,180 કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 8.55 લાખથી વધુ મહિલાઓ હિંસા સામે મદદ માગવા માટે આગળ આવી છે. આ આંકડા ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે.
- Advertisement -
ઘરેલું હિંસાના કાયદા મુજબ માત્ર પત્ની અથવા પુત્રી જ નહીં, પરંતુ કોઈપણ સ્ત્રી જો દુવ્ર્યવહારનો ભોગ બને તો કાયદાકીય કાર્યવાહી કરવાનો અધિકાર ધરાવે છે. કાનૂની નિષ્ણાતો જણાવે છે કે ઘણી મહિલાઓ પરિવારની બદનામી થશે ના ભયથી ફરિયાદ કરતી નથી, પરંતુ હિંસાને સહન કરવી એ સમસ્યાને વધુ વિકરાળ બનાવે છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 1,77,298 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. નિષ્ણાતો કહે છે કે મહિલાએ પ્રથમ તક વખતે જ કાયદાકીય પગલાં લેવાની હિંમત રાખવી જોઈએ. કારણ કે જીવન જીવવાનો હક દરેક મહિલાને છે અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.
રાજ્યમાં સતત વધતા આંકડા બતાવે છે કે સરકાર, સમાજ અને કાનૂની વ્યવસ્થાએ મળીને વધુ મજબૂત પગલાં લેવા જરૂરી બની ગયું છે. માત્ર જાગૃતિ નહીં, પરંતુ અસરકારક અમલીકરણ અને કડક કાર્યવાહી જ મહિલાઓની સાચી સલામતી સુનિશ્ચિત કરી શકે છે.



