ખાસ-ખબર સંવાદદાતા
સપ્તાહ અંતે વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવ મક્કમ રહેતા ઘરઆંગણે સોનાના ભાવમાં ટકેલુ વલણ હતું જ્યારે ચાંદીમાં તેજી આગળ વધી હતી અને ભાવ રૂપિયા 75000ને આંબી ગયા હતા. 25-26 જુલાઈના અમેરિકન ફેડરલ રિઝર્વની મળી રહેલી બેઠક પર બજારની નજર રહેલી છે.
ડોલર ઈન્ડેકસ ઘટી 100ની અંદર ઊતરીને પંદર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો જેને કારણે પણ સોનાના ભાવને ઊંચા મથાળે ટેકો મળ્યો હતો. લિબિયા તથા નાઈજિરિયા ખાતેથી પૂરવઠા ખલેલના અહેવાલે ક્રુડ તેલના ભાવ ઊંચકાયા હતા અને બ્રેન્ટ ક્રુડ ઓઈલ સપ્તાહ અંતે 81 ડોલરની સપાટી પાર કરી ગયું હતું. સ્થાનિક ફોરેકસ માર્કેટમાં ડોલરમાં ઘટાડો અટકયો હતો. વૈશ્વિક કરન્સીઝ સામે રૂપિયો નબળો પડયો હતો.
- Advertisement -
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં 99.90 સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા 59338 સાથે લગભગ સ્થિર રહ્યા હતા. 99.50ના ભાવ રૂપિયા 59100 મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .999 એક કિલોના ભાવ ગુરુવારની સરખામણીએ રૂપિયા 1300થી વધુ ઉછળી રૂપિયા 74979 બોલાતી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. અમદાવાદ બજારમાં સોનું 99.90 દસ ગ્રામના રૂપિયા 61200 જ્યારે 99.50ના રૂપિયા 61000 બોલાતા હતા. ચાંદી .999 એક કિલોના રૂપિયા 75000 મુકાતા હતા.
વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ 1961 ડોલર ટકેલું રહ્યું હતું જ્યારે ચાંદી 24.88 ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ 976 ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ 1283 ડોલર મુકાતું હતું. ડોલર ઈન્ડેકસ ઘટી 100ની અંદર ઊતરી ગયો હતો અને 99.89 સાથે પંદર મહિનાની નીચી સપાટીએ જોવાયો હતો. લિબિયામાં સ્થાનિકોના દેખાવોને કારણે કેટલીક ઓઈલફિલ્ડસ બંધ પડી ગઈ છે જ્યારે નાઈજિરિયામાં એક ટર્મિનલમાં શકય ગળતરને કારણે લોડિંંગ્સ કામગીરી અટકી પડી હોવાના અહેવાલથી ક્રુડ તેલને ટેકો મળ્યો હતો.