ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ મામલે દિનેશ માંડવિયાની રજૂઆતને લીધે હલચલ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર- છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સામે ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડીંગ અંગેની માહિતી છુપાવવાનો અને માહિતીના અધિકાર અધિનિયમની અવગણના કરવાનો આક્ષેપ સાથે સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ ઉગ્ર વિરોધ કર્યો છે. દિનેશ માંડવિયા, જેઓ એક જાણીતા સામાજિક કાર્યકર છે, તેમની રજૂઆત મુજબ, ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડીંગના બાંધકામ માટેની મંજુરીઓ, નકશા, પ્રોપર્ટી કાર્ડ અને અન્ય સંબંધિત દસ્તાવેજો અંગે માહિતી મેળવવા માટે તેમણે માહિતીના અધિકાર હેઠળ અરજી કરી હતી. આ અરજીના જવાબમાં ચીફ ઓફિસરે ન માત્ર માહિતી પૂરી પાડવામાં વિલંબ કર્યો, પણ ’જે થાય તે કરી લેજે’ કહીને તેમને ઓફિસમાંથી બહાર કરી દીધા.આ પ્રકરણની ચર્ચાઓ હવે ઉચ્ચકક્ષાએ પહોચી ગઈ છે. સમાજિક કાર્યકર દિનેશભાઈનું કહેવું છે કે, “ચીફ ઓફિસરે ખુદના અધિકારોનો દુરુપયોગ કર્યો છે અને હુકમની અવગણના કરી છે, જે ન્યાય અને પારદર્શકતા માટે ખતરનાક છે.”
- Advertisement -
વધુમાં, ચેમ્બરના બિલ્ડીંગ અંગે પહેલાં પણ ગેરકાયદેસર રીતે દુકાનો ખોલવા અને પરમીશન વિના બાંધકામ કરવા વિશે અનેક ફરિયાદો થઈ ચૂકી છે. આ ઉપરાંત, ઉચ્ચકક્ષાએ આ પ્રકરણની વધુ તપાસ કરવા માગવામાં આવી છે, જેથી પાલિકાની ભ્રષ્ટાચારની શક્યતાઓનું ઉઘાડ પાડી શકાય. હવે, દિનેશભાઈની રજૂઆત અને ચીફ ઓફિસર વિરુદ્ધના આક્ષેપો ના કારણે પોરબંદર-છાયા નગરપાલિકા ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની અને તપાસ કરવા માટે ઉચ્ચકક્ષાએથી હુકમ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.