અમેરિકામાં વૅક્સિન નહીં લેનારા લોકોને નથી મળતો પ્રવેશ : મને ખાસ કિસ્સામાં એન્ટ્રી આપવામાં આવશે તો જ રમીશ નહીંતર નહીં રમું
ખાસ-ખબર સંવાદદાતા
વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બનનારો સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ કોરોના વેક્સિન નહીં જ લેવાની પોતાની જિદ્દ છોડવા તૈયાર નથી. ફાઈનલ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને હરાવીને સાતમીવાર વિમ્બલ્ડન ચેમ્પિયન બનનારા જોકોવિચે કહ્યું કે તે કોરોના વેક્સિન નહીં જ લ્યે. આવતાં મહિને અમેરિકામાં વર્ષનું ચોથું ગ્રાન્ડ સ્લેમ રમાવાનું છે. ત્યાંના નિયમો પ્રમાણે જોકોવિચને વેક્સિન લીધા વગર એન્ટ્રી આપવામાં આવશે નહીં આવામાં યુએસ ઓપનમાં જોકોવિચ રમી શકશે નહીં. જોકોવિચને આશા છે કે અમેરિકી અધિકારી તેને યુએસ ઓપનમાં ભાગ લેવાની પરવાનગી આપવા માટે સમય પર પ્રવેશ નિયમોમાં ફેરફાર કરશે. તેની નજર પોતાના ચોથા યુએસ ઓપન ખિતાબ ઉપર છે. પાછલા વર્ષે તે રશિયાના દાનિલ મેદવેદેવ સામે હારી ગયો હતો. જોકોવિચે કોરોના વેક્સિન લીધી નથી. જો તે વેક્સિન નથી લેતો તો નિયમો પ્રમાણે તેને ટૂર્નામેન્ટ રમવા દેવાશે નહીં. 35 વર્ષીય જોકોવિચે કહ્યું કે મેં વેક્સિન નથી લીધી અને લેવાની કોઈ ઈચ્છા પણ નથી.