દિપોત્સવની ઉજવણી શરુ, ઠેર ઠેર રોશની અને ઉમંગનો માહોલ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં આજે દિવાળી પર્વને લઈને દરેક લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે અને લોકો દિવાળીની ધૂમધડાકાભેર ઉજવણી કરી રહ્યા છે જેથી આજે બજારોમાં દિવાળીના શોપિંગ માટે છેલ્લી ઘડી સુધી ચિક્કાર ભીડ રહી છે અને મોડી રાત્રી સુધી બજારો ધમધમતી રહેશે. શોપિંગ મોલ, મોટા શો, રૂમ સહિતની અનેક દુકાનો કાલથી લાભપાંચમ સુધી બંધ, અમુક દુકાનો ભાઈબીજ કે ત્રીજથી શરૂ થઈ જશે જોકે એકંદરે બજાર લાભપાંચમે પુન: ધમધમી ઉઠશે.
- Advertisement -
મોરબીમાં આજે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દરેક ઘર અને સમગ્ર શહેરમાં અનોખી રોશનીની સજાવટ કરવામાં આવી છે. દરેક ઘરના આંગણા કલાત્મક અને મનમહોક રંગોળીથી દિપી ઉઠ્યા છે તેમજ ઘરના આંગણે આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. દિવાળીના પર્વ ઉપર દરેક લોકો મીઠાઈ, ફરસાણ આરોગીને રાતભર ફટાકડાની આતશબાજી કરીને દિવાળી ઉજવશે અને આવતીકાલે નવા વર્ષના દિવસે તમામ લોકો પોતાના સગા સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો સહિતનાને સાલમુબારક કહીને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે જો કે આજે દિવાળી નિમિતે હેપ્પી દીપાવલીના મેસેજનો સોશ્યલ મીડિયામાં ભારે મારો ચાલ્યો છે અને આવતીકાલે પણ સાલ મુબારક અને નૂતન વર્ષાભીનંદનનો મારો ચાલશે. દિવાળી પર્વ ઉપર આ વખતે બજારોની રોનક જ કંઈક ઓર છે. ગત વર્ષ કરતા આ વખતે દિવાળીમાં લોકોએ મનભરીને શોપિંગ કર્યું છે અને આજે પણ છેલ્લી ઘડી સુધી દિવાળીનું શોપિંગ માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી છે.
મોરબી શહેરના નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, ગ્રીનચોક, નવાડેલા રોડ સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં આજે દિવાળીના દિવસે પગ મુકવાની જગ્યા ન હોય તેવી ભીડ જોવા મળી છે. આવતીકાલથી બજારોમાં રજાનો માહોલ શરૂ થઈ જશે. ઘણા વેપારીઓને સારી ઘરાકી થતા કાલથી પરિવાર સાથે રજા માણવા ઉપડી જશે. આથી શોપિંગ મોલ, મોટા શો રૂમ સહિતની અનેક દુકાનો કાલથી લાભપાંચમ સુધી બંધ, અમુક દુકાનો ભાઈબીજ કે ત્રીજથી શરૂ થઈ જશે, એકંદરે બજાર લાભપંચમેં પુન: ધમધમી ઉઠશે.