દુબઈ જેવો લેસર-શૉ, ધનતેરસે આતશબાજી અને દિવાળીએ રંગોળી સ્પર્ધા યોજાશે
27થી 31 ઓક્ટોબર સુધી દિવાળી ઉત્સવની ઉજવણી કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ શહેરમાં આગામી તહેવારોને લઈને દિવાળી કાર્નિવલની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 27 ઓક્ટોબરે આ દિવાળી કાર્નિવલનો કિસાનપરા ચોકથી પ્રારંભ કરવામાં આવશે. આ માટે આખા રેસકોર્સ રિંગ રોડને દુલ્હન જેવો શણગાર કરવામાં આવશે. તેમજ રિંગ રોડ પર દુબઈમાં થાય તે પ્રકારનો લેસર શો કરાશે. આ ઉપરાંત 30 ઓક્ટોબરે સાંજે એક કલાક આતશબાજી યોજાશે. એટલું જ નહીં દિવાળીમાં 500થી વધુ સ્પર્ધાત્મક રંગોળીનું આયોજન કરાયું છે. જેમાં પણ 500 કરતા વધુ બહેનો દ્વારા વિવિધ પ્રકારની રંગોળી કિસાનપરા ચોકથી લઈને ફનવર્લ્ડ સુધી કરવામાં આવશે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રંગીલું રાજકોટ તહેવારોની ઉજવણી કરવામાં અગ્રેસર રહેતું હોય છે. ત્યારે મનપાનાં શાસકો દ્વારા પણ રાજકોટમાં તહેવારો દરમિયાન વધુમાં વધુ લોકો ઉજવણી કરી શકે તેવા પ્રકારનું આયોજન દર વર્ષે કરાતું હોય છે. ચાલુ વર્ષે પણ રાજકોટનાં તમામ રાજમાર્ગો તેમજ મુખ્ય ચોકમાં લાઈટિંગ, ડેકોરેશન કરવામાં આવનાર છે. ધનતેરસે આતશબાજી અને દિવાળીએ રંગોળી સ્પર્ધા યોજવાનું મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આગામી દિવાળીના તહેવારોને લઈને 27થી 31 ઓક્ટોબરે રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં એન્ટ્રી ગેટ, આકર્ષક થીમ બેઝ લાઈટિંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લેસર-શો સહિતના વિશેષ આકર્ષણોનો ઉમેરો કરવામાં આવશે. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે મુકેશભાઈ વ્યાસ, જાણીતા લેખક જય વસાવડા, આસિતભાઈ ભટ્ટ, મુકેશભાઈ ડોડિયા, પ્રદીપભાઈ દવે, કિશોરભાઈ કમાણી, નલીનભાઈ સૂચક, જયશીબેન રાવલ, રૂપલબેન સોલંકી રહેશે.
- Advertisement -
આગામી તા. 27 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે છખઈ પ્લોટ કિસાનપરા ચોક ખાતેથી આ દિવાળી ઉત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનાં હસ્તે થશે. 29 ઓક્ટોબરનાં રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. આ સ્પર્ધકો દ્વારા બનાવેલી રંગોળી 30 અને 31નાં રોજ શહેરીજનો નિહાળી શકશે. જ્યારે 30 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. રાજકોટનાં લોકો મોટી સંખ્યામાં આતશબાજી નિહાળવા ઉમટી પડશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે 27થી 31 ઓક્ટોબર સુધી આકર્ષક થીમ બેઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગરોડ ખાતે એન્ટ્રી ગેટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ ઉપરાંત રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત યોજાનાર રંગોળી સ્પર્ધામાં વિજેતાને પુરસ્કાર અપાશે. આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવી છે. જેમાં ભાગ લેનાર સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝિટિવ સ્લોગન લખવાનું રહેશે. આ સ્પર્ધામાં 25 રંગોળી સ્લોગન સાથેની રહેશે. જેમાં પ્રથમ પાંચ વિજેતાને રૂ. 5,000 ઇનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઈઝ 5 બાય 5 રહેશે. જ્યારે અન્ય 500 રંગોળી વ્યક્તિગત સ્પર્ધાની રહેશે. જેની સાઈઝ પણ 5 બાય 5 રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ 15ને રૂ. 5,000 ઈનામ તરીકે આપવામાં આવશે. તેમજ 51 સ્પર્ધકને રૂ. 1,000 આશ્વાસન ઈનામ તરીકે આપવામાં આવશે.