બહુમાળી ચોક ખાતે દુબઇ સ્ટાઇલનો લેસર શો આકર્ષણનું કેન્દ્ર, રિંગરોડ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યો
રાજકોટ શહેરમાં દિવાળીનાં તહેવારોની ઉજવણી માટે મનપા દ્વારા આજથી ભવ્ય દિવાળી કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્નિવલનાં ઉદ્ઘાટન માટે આયોજિત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખે કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હે બાતો કા ક્યાં અને સ્ટે. ચેરમેને ભોલે ઓ ભોલે અને દિલ હે કિ માનતા નહીં સહિત બે ગીત ગાયા હતા. બાદમાં સાંસદ પરસોતમ રૂપાલાએ રિબિન કાપી તેમજ દીપ પ્રગટાવી કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ બગીમાં બેસી સાંસદ તેમજ મનપાનાં પદાધિકારીઓએ રિંગરોડની લટાર મારી હતી. રાજકોટનાં કિસાનપરા ચોક ખાતેથી લોકસભા સાંસદ રૂપાલાનાં હસ્તે દિવાળી કાર્નિવલનો પ્રારંભ કરાયો હતો. જેને પગલે રિંગરોડ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો અને આ દૃશ્યો જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. જોકે, ગતવર્ષ કરતા આ વર્ષે રોશની ઓછી હોવાની ચર્ચા લોકોમાં ચાલી હતી. બહુમાળી ચોક ખાતે કરવામાં આવેલો દુબઇ સ્ટાઈલનો લેસર શો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આજથી લઈને આગામી 31 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6:30થી રાત્રે 12 વાગ્યા સુધી રંગીલા રાજકોટવાસીઓ દિવાળી કાર્નિવલનો આનંદ માણી શકશે.