ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જે અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઇ એન. ગુંદરણીયા એ તેમના પ્રવચનમાં જણાવેલ કે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ મદ્રાસમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે ઘણો લગાવ હતો, રાષ્ટ્રીય ગણિત દિવસ એ રામાનુજનની મહાન સિદ્ધિઓને યાદ કરવાનો અને આપણા રોજિંદા જીવનમાં ગણિતના મહત્વ પર પ્રતિબિંબિત કરવાનો પ્રસંગ છે. 3,000 થી વધુ પ્રમેયો સાબિત કરીને તેમને વિશ્વના સૌથી મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. યુવા પેઢીને આ ગણિત પ્રતિભાના જીવન અને તેમની સુવર્ણ સિદ્ધિઓથી પ્રેરિત કરવા માટે, ભારત સરકારે 22મી ડિસેમ્બરને 2012થી રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે તથા જુદી જુદી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આજના ગણિત દિવસની ઉજવણી કરવામાં આવેલ છે.