શિક્ષણ ડિગ્રી સુધી મર્યાદિત નથી, તેની સાથે વ્યક્તિત્વ જોડાયેલું છે : કુલપતિ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કેમ્પ વંથલી રોડ સ્થિત સોરઠ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે યોજાયો હતો. જેમા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિવિધ વિભાગના તજજ્ઞોએ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપી આત્મવિશ્ર્વાસથી સભર કર્યા હતાં.
- Advertisement -
શિક્ષણ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કાર્યક્રમના અધ્યક્ષ નરસિહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર ડિગ્રી, ટેસ્ટ, પરિણામ પૂરતું મર્યાદિત નથી તેની સાથે આખુ વ્યક્તિત્વ જોડાયેલું છે. હાલમાં કારકિર્દી માટે નવા નવા ક્ષેત્રોમાં નવી નવી તકો ઉભી થઇ છે, ત્યારે આ નવી તકો વિશે વિચારવું જરૂરી છે. તેમજ ભણવાને ભારરૂપ ન સમજતા કામ કરીએ ત્યારે ફક્ત કામ કરીએ રમીએ ત્યારે રમવા પર ધ્યાન આપવું.આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપધ્યાયે જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને તેના વાલીને મુંઝવતો પ્રશ્ન હોય છે કે હવે પછી શું? તે દૂર કરવા રાજ્ય સરકારશ્રી દ્વારા કારકિર્દી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં સરકારશ્રીના ખેતીવાડી, આરોગ્ય, રોજગાર, શિક્ષણ અને માહિતી વિભાગના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપાયુ હતું. જિલ્લા રોજગાર અધીકારી પ્રજાપતીએ જણાવ્યું હતું મે, ભવિષ્યમાં ક્યા ફિલ્ડમાં કારકિર્દી ઘડવી કઇ ફેકલ્ટી, બ્રાન્ચમાં જવું એ પ્રાથમિક-માધ્યમિકમાંથી જ નક્કિ કરવું જોઇએ. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ખેતીવાડી અધિકારી જી.એસ. દવે, નાયબ માહિતી નિયામક અર્જુન પરમાર, રમતગમત અધિકારી હિતેશ દિહોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.