દિલ્હીના કેજરીવાલ અને પંજાબના ભગવત માન સામે સણસણતા સવાલો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાજ્યમાં ચૂંટણીઓ નજીક આવતા દરેક રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી છે તેવામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ રાજકીય ગતિવિધિ શરૂ કરાઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવતી કાલે 7 સપ્ટેમ્બરના રોજ ચોટીલા ખાતે ખેડૂતોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવત માન હાજર રહેવાના હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ સભામાં ખેડૂતોને પડતી તકલીફો અને પ્રશ્નોને લઈને સરકાર સામે બાયો ચડાવવા માટેનું આહવાન કરવામાં આવશે તેવામાં આમ આદમી પાર્ટીની આ ખેડૂત સભા સામે જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે જેમાં રામકુભાઇ કરપડા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે “ખેડૂત સભામાં મુખ્ય હાજરી આપનાર અરવિંદ કેજરીવાલ તથા ભગવત માન બંને ખેડૂત વિરોધી હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે છતાં અતિવૃષ્ટિના કારણે મોટું નુકસાન થવા પામેલ છે જેમાં જમીન ધોવાણ પાક નુકસાન સાથે મોટા પ્રમાણમાં પશુઓને પણ નુકસાન થયેલ છે પંજાબના ખેડૂતોના પશુઓ વરસાદી પાણીમાં તણાઈને છેક પાકિસ્તાન સુધી પહોંચે છે અને પશુઓના મોત થાય છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા માટે સભાઓ યોજે છે.
- Advertisement -
આ તરફ ભારતના કિસાનો પર કાળો કાયદો પસાર કરવામાં આવેલ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારને સમર્થન આપે હતું આ સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન દ્વારા કેજરીવાલ સામે પોતાની સરકાર હોય તે દરમિયાન દિલ્હીના ખેડૂતોને શું આપ્યું ? તથા ખેડૂતોને દેવા માફી કેમ ન આપી ? તથા જ્યારે ગુજરાતના ખેડૂત પાક વીમો, જમીન માપણી, મગફળી કૌભાંડ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ તથા પાવર કંપનીઓની દાદાગીરી જેવા પ્રશ્નોથી ગુજરાતના ખેડૂત પીડાતા હતા તે સમયે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ક્યાં હતી ? તેવા સવાલો કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસની સરકાર દ્વારા 2004માં ખેડૂતોને દેવા માફી કરી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોંગ્રેસની સરકારે ખેડૂત હિતમાં ખેડૂતોનું દેવા માફી કરી હતી. તેમ જણાવી ગુજરાતના ખેડૂતોને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ તથા ભગવત માનની મોટી અને લોભામણી તથા વાહિયાત વાતોથી દૂર રહેવા અપીલ કરી હતી.