ભારત સહિત સાત દેશોના લોકોના સરવેમાં ખુલાસો: મહામારી પહેલા જે બીમારીઓનો લોકો સામનો કરતા હતા તેને મોટાભાગનાએ ગંભીર ગણી
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો. લાખો લોકોના મોત થયા હતા. સ્મશાનો અને કબ્રસ્તાનોમાં પણ અંતિમ સંસ્કાર માટે મૃતદેહોમાં ઢગલા થયા હતા તેમ છતાં આશ્ચર્યજનક રીતે લોકો કોરોના કરતા મેલેરિયા અને ટીબી જેવી બીમારીથી વધુ ડરતા હોવાનો ખુલાસો એક સંશોધનમાં
થયો છે. ભારત સહિત દુનિયાના સાત દેશોના લોકો કોરોનાને ગંભીર રોગ માનતા નથી. લોકો કોરોનાથી વધુ મેલેરિયા, ટીબી, ફેફસાનું કેન્સર, ડ્રગ્સની લત, એચઆઈવી- એઈડસ, વાયુ પ્રદુષણથી થનારી બીમારી અને ગંદાપાણીથી ડાયેરિયાને ગંભીર રોગ માને છે.
સ્વીડનના યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગના સેવન એન્વાયર્ન્મેન્ટ ફોર ડેવલપમેન્ટ સેન્ટરના વૈજ્ઞાનિકોએ ભારત, કોલંબિયા, કેન્યા, નાઈઝીરીયા, દક્ષિણ આફ્રિકા, તાંઝાનીયા અને વિયેતનામના 10 હજાર લોકો પર સર્વે બાદ આ દાવો કરવામાં આવ્યો છે. સર્વેમાં સામેલ મોટાભાગના લોકોએ કહ્યું છે કે તે કોરોના કરતા શ્વાસ સાથે જોડાયેલી બીમારીને વધુ ગંભીર માને છે.
કારણ કે તે તેનો સતત સામનો કરે છે. આ સંશોધન કોમ્યુનીકેશન્સ મેડીસીનમાં પ્રકાશિત થયું છે. સંશેધક ડેલ વિંગ્ટનનું કહેવું છે કે સ્વાસ્થ્ય સેવાઓને નજર અંદાજ ન કરી શકાય, કારણ કે લોકો હેલ્થ પ્રત્યે ગંભીર છે. દેશ અને વસ્તીના આધારે રોગની ગંભીરતાની શ્રેણી અલગ અલગ છે.
સાતમાંથી છ દેશોના લોકો પાણીના કારણે થતી બીમારીઓને ગંભીર માને છે. કોરોના ગંભીર બીમારીઓની શ્રેણીમાં સાતમા નંબરે છે. દક્ષિણ આફ્રિકાના લોકો કોરોનાથી વધુ શરાબ અને ડ્રગ્સથી થનારી બીમારીને ગંભીર માને છે.