વધુ એક સંગીત જગતનો સિતારો ખરી પડ્યો…
પુત્ર બપ્પા અમેરિકાથી આવ્યા પછી આવતીકાલે અંતિમ સંસ્કાર થશે
બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા.
બપ્પી લહેરીના પરિવારના લોકોએ જણાવ્યું કે, તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. તેમનો દીકરો બપ્પા અત્યારે અમેરિકામાં છે અને તે આવતીકાલ બપોર સુધીમાં મુંબઈ પહોંચશે. તેના પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમને છાતીમાં ઈન્ફેક્શન હતું, તેમનો પુત્ર અમેરિકામાં છે, તે આજે આવી રહ્યો છે, મૃત્યુ સમયે તેમની પત્ની, તેમની પુત્રી અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે હાજર હતા. સમાચાર એજન્સી પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બપ્પી લહેરીના મૃત્યુની માહિતી આપવામાં આવી છે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો અને લોકોમાં શોક છવાયો છે.
સોનું મારા માટે લકી: બપ્પી દા
બપ્પી લહેરીને સંગીત જગત ડિસ્કો કિંગ તરીકે ઓળખતું હતું. તેઓ જાહેર કાર્યક્રમ કે રેકોર્ડિંગ દરમિયાન સોનાના અનેક ઘરેણા પહેરી રાખતા હતા. તેઓ સોનું પહેરવાને ખૂબ લકી પણ માનતા હતા. પરંતુ તેમને આ શોખ ક્યાંથી થયો અને તેમની પાસે કેટલું સોનું હતું. તેની વિગતો સાંપડી છે. બપ્પી લહેરીએ આ વાત ખુદ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી કે તેઓ અમેરિકન પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લી સહિત કેટલીક પ્રખ્યાત હસ્તીઓથી ખૂબ પ્રભાવિત છે.એલ્વિસ તેના કોન્સર્ટ દરમિયાન સોનાની ચેન પહેરતો હતો.
- Advertisement -
બપ્પીદાએ ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું
બપ્પી દાએ માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ ગાવાની શરૂઆત કરી હતી. જે સમયે લોકો શાંત અને રોમેન્ટિક સંગીત સાંભળવાનું પસંદ કરતા હતા, એ સમયે બપ્પી દાએ બોલિવૂડમાં ડિસ્કો ડાન્સના ગીત બનાવ્યા હતા. બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડમાં આવ્યા અને 80ના દાયકા સુધી છવાઇ ગયા. બપ્પી લહેરીએ આશરે 5000થી વધારે ગીતો ગાયાં છે. તેમણે ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત આપ્યું છે. તેમને પહેલી તક 1972માં એક બંગાળી ફિલ્મ ‘દાદૂર’થી મળી હતી. જે પછી 1973માં પહેલી હિન્દી ફિલ્મ ’નન્હા શિકારી’માં સંગીત આપ્યું હતું. રિપોર્ટ મુજબ બપ્પી દાએ 1986માં એક વર્ષમાં આશરે 33 ફિલ્મોમાં 180 ગીતો ગાયાં હતાં. તેમનો આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો. તેમને અનેક એવોર્ડની સાથે ફિલ્મફેર દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, બંગાળી અને ઉડિયા સિવાય અન્ય ભાષાઓમાં પણ ગીતોની રચના કરી છે.


