સંત સૂરદાસ યોજનાનો લાભ લેવા માટે 80%ને બદલે હવે 60% દિવ્યાંગતાની મર્યાદા કરાઈ; હજારો લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ઉર્જા અને કાયદો-ન્યાય રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના હસ્તે દિવ્યાંગજનોને કુલ રૂ. 15,40,575ની કિંમતના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 167 લાભાર્થીઓને હાર્મોનિયમની ભેટ મળી હતી.
મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ નિર્ણયના કારણે હવે દર મહિને રૂ. 1,000ની આર્થિક સહાય યોજના માટેની દિવ્યાંગતાની મર્યાદા 80%થી ઘટાડીને 60% કરવામાં આવી છે, જેનાથી મહત્તમ દિવ્યાંગજનો લાભ મેળવી રહ્યા છે.
સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લામાં સંત સુરદાસ યોજનામાં 2,878 લાભાર્થીઓને અને નિરામય હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનામાં 1,109 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, 16,729 દિવ્યાંગ વ્યક્તિઓ નિ:શુલ્ક એસ.ટી. બસ મુસાફરી યોજનાનો લાભ લઈ રહ્યા છે.



