ગુજરાત ST મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મહાનગરપાલિકામાં ફરિયાદ; દંડનીય કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઢેબર રોડ પર આવેલા જઝ બસપોર્ટ ખાતે છેલ્લા દસેક દિવસથી જાહેર રસ્તા પર ગટરના ગંદા અને ગંધાતા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે હજારો મુસાફરો અને બસ ડ્રાઇવરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગુજરાત જઝ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાવાર ફરિયાદ નોંધાવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ગુજરાત ST મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઊંધાડ, અને પટેલ જયંતીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ જઝ બસપોર્ટ પર દૈનિક 1200થી વધુ બસોની અવરજવર અને 80,000થી વધુ મુસાફરોની નિયમિત આવજા થાય છે. આ તમામ બસો અને મુસાફરોને આ ગંધાતા મેલા પાણીમાંથી પસાર થવું પડે છે. બસપોર્ટની એન્ટ્રી પાસે રબડી, કાદવ અને કિચડ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે મુસાફરો લપસી ન પડે તે માટે મોંઢા પર હાથ રાખીને પસાર થવું પડે છે.
આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, સિનિયર ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતું નથી, જેના કારણે મુસાફરો અને અપડાઉન કરનારા મિત્રોને લાંબા સમયથી ભારે હાલાકી ભોગવવી પડે છે.
સમિતિએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર પણ પ્રશ્ર્નાર્થ ઉઠાવ્યો છે. તેઓ આ ઢેબર રોડ પરના જઝ બસપોર્ટ પાસેથી પસાર થતા હોવા છતાં, હજારો મુસાફરોને યાતનાઓ સહન કરવી પડે છે. સમિતિના મતે, આ માટે રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર તંત્ર અને જઝ બસપોર્ટનું ખાડે ગયેલું તંત્ર જવાબદાર છે.
આ અંગે ગુજરાત જઝ મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ આજે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદ નંબર 25235331 થી ફરિયાદ નોંધાવી છે. તેમણે સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર કે. કે. રાવલ અને વોર્ડ નંબર 7 ના ડેપ્યુટી એન્જિનિયર મધુ ગાનવિતને બસપોર્ટ પાસે ઉભરાતા ગંદા ગટરના મેલા પાણી અંગે તાત્કાલિક જવાબદારને નોટિસ ફટકારી પેનલ્ટી કરવા અને તાત્કાલિક મેલા પાણીનો નિકાલ કરવા રજૂઆત કરી છે.
સમિતિએ એ પણ કટાક્ષ કર્યો છે કે, રાજકોટ મહાનગરપાલિકા થૂંકનારા અને દુકાન પાસે સામાન્ય કચરો કે ગંદકી હોય તો દંડનીય કાર્યવાહી કરી સિંહ બની જાય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ગેટ પાસે 100 મીટરની અંદર બસપોર્ટના ઉભરાતા અને ગટરના ગંધાતા મેલા પાણી અંગે મહાનગરપાલિકા કેમ બકરી બની ગઈ છે? આ મામલે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું.