ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા શહેરમાં વ્યાપેલી ગંદકીની સમસ્યાએ હદ પાર કરી છે. પાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના મુખ્ય માર્ગોથી લઈને છેવાડાના વિસ્તારો સુધી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. દિવાળી અને નવું વર્ષ જેવા તહેવારોમાં પણ શહેરના રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી હતી વાહન ચાલકોને આ ઉડતી ડમરીઓના કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
- Advertisement -
શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો, કચરાના ઢગલા અને પાણી ભરેલા ખાબોચિયાઓ સામાન્ય બની ગયા છે. આ સ્થિતિમાં મહામારી ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકોએ આ સમસ્યા અંગે સ્વચ્છતા અને વિકાસમાં માનનારા ધારાસભ્યને રજૂઆતો કરેલ હતી અને તેમણે અધિકારીઓની મિટિંગ બોલાવી સ્વચ્છતા જળવાય રહે અને શહેરનું વાતાવરણ સુંદર બને તેની માટે કડક સૂચનો કર્યા હતા. પરંતુ અધિકારીઓએ આ સૂચનોને અવગણીને કોઈ પગલાં લીધા નથી લાગતાં એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો આવી રહી છે છતાં શહેરની આ હાલત જોઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. પાલિકાના ચીફ ઓફિસરથી લઈને સેનિટેશન ઇન્સ્પેક્ટર સુધી શહેરને સ્વચ્છ બનાવવાની પોતાની ફરજ ભૂલી ગયા કે શું? નગરસેવકો અને પાલિકાના પદાધિકારીઓ પણ આ સમસ્યા અંગે બેદરકાર વલણ અપનાવી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમો કરી જાગૃતિ લાવવા માટેની કામગીરી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના લોકો પાલિકા તંત્રને માંગ કરે છે કે તેઓ ગંદકીની સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં ભરે. શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવુંએ પાલિકાની પ્રાથમિક જવાબદારી છે.