સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર નીતિ-નિયમ નેવે મૂકી ત્રણ આ.પ્રોફેસરને નિમણૂંક પત્ર આપી દેવાયા
કુલપતિ સહિતનાઓને પોતાના માનીતાઓને પસંદગીની જગ્યાઓ પર ગોઠવવા ફક્ત મનમાની જ કરવી છે?
લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાનું સ્પષ્ટ ચિત્ર, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા વારંવાર વિવાદમાં સપડાય છે. તાજેતરમાં જ યુનિવર્સિટીએ જુદા-જુદા ભવનમાં વધુ 3 આસિસ્ટન્ટ પ્રોફેસરની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરી છે. પરંતુ આ ભરતી કરવા માટે કોઇપણ પ્રકારની જાહેરાત આપવામાં આવી નથી, કોઈ ઈન્ટરવ્યૂ લેવાયા નથી, કોઈ એક્સપર્ટને બોલાવીને ફાઈનલ સિલેક્શન થયું નથી પરંતુ ત્રણેય ઉમેદવારોને સીધા જ ઓર્ડર આપી દેવાયા હોવાની ગેરરીતિનો પર્દાફાશ થયો છે. હવે ‘ન રહેગા બાસ, ન બજેગી બાંસુરી’ની જેમ સીધા જ નિમણૂકપત્ર આપી દેવાયા.
હવે તો યુનિવર્સિટીમાં નાની-મોટી કોઇપણ ભરતી કરવા માટે ખુદ યુનિવર્સિટીને બદલે કોઈ તટસ્થ એજન્સી પાસે કામ કરાવવામાં આવે તો જ પારદર્શક રીતે થઇ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ પણ ઉચ્ચ શિક્ષણના મંદિર ગણાતા કેમ્પસમાં પારદર્શિતાના બદલે પરિવારવાદનો માહોલ સર્જાયો હતો અને જુદા-જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કોઈએ પોતાની પત્ની, કોઈએ પુત્ર તો કોઈએ પુત્રીને કે કુટુંબીઓની ગોઠવણ કરી દીધી હતી. પરંતુ ત્યારે જાહેરાત આપવામાં આવી હતી, ઈન્ટરવ્યૂ ગોઠવાયા હતા, સિલેક્શન થયું હતું પરંતુ તેમાં છેલ્લે પરિવારના જ સભ્યોને ઓર્ડર અપાયા હતા.
- Advertisement -
પરંતુ તાજેતરમાં જ યુનિવર્સિટીના એમબીએ, એમપીએડ ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં 3 ઉમેદવારને કોઇપણ પ્રકારની જાહેરાત, ઈન્ટરવ્યૂ, સિલેક્શન વિના સીધા જ ઓર્ડર આપી દેવાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જે ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરોને આ રીતે સીધી ભરતીથી નિમણૂક આપવામાં આવી છે તેમાંથી એક વ્યક્તિ ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના ભાઈ છે.
ફરજનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો હોય તો પણ નવેસરથી પ્રક્રિયા કરવી પડે નિષ્ણાતો જણાવે છે કે, કોઇપણ યુનિવર્સિટીમાં જો કોઈ કરારી પ્રોફેસરનો 11 માસનો કોન્ટ્રાક્ટ પૂરો થવામાં હોય તો પૂરો થયા પહેલા તેને રીન્યૂ કરી શકાય છે. પરંતુ જો કોન્ટ્રાક્ટ પૂરો જ થઇ ગયો હોય તો ફરીથી તે પ્રોફેસરની નિમણૂક કરવા માટે નવેસરથી બધી પ્રક્રિયા કરવી પડે છે. જેમાં ફરીથી જાહેરાત આપવી પડે, અરજીઓ મગાવવી પડે, તેનું સ્ક્રુટીની કરવી પડે, ઈન્ટરવ્યૂ ગોઠવવા પડે, એક્સપર્ટને ઈન્ટરવ્યૂમાં બોલાવવા પડે, પછી ફાઈનલ સિલેક્શન અને ઓર્ડર આપવામાં આવે છે.