ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક તેમજ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ શંભુ સદાદિયાને મદદનીશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની પાસેથી સીઆરસી કો-ઓર્ડિનેટરનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. ફરજમાં બેદરકારી અને મહિલાકર્મી સાથે ગેરવર્તણૂંકના કારણોથી 2 ઓગષ્ટના તેમને ફરજ મોકૂફ કરાયેલા છે. સસ્પેન્શન બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સદાદિયાના હવાતિયાં શરૂ થઈ ગયા છે. તેના દ્વારા સસ્પેન્શન પાછું ઠેલાવવા શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેન પર દબાણ લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ તેણે ઓપીએસ આંદોલનને કારણે સસ્પેન્ડ કરાયા હોવાનું જૂઠ ફેલાવ્યું છે. હકીકતમાં મહિલા કેળવણી નિરીક્ષકને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ દિનેશ સદાદિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે. મહિલાની પજવણી અને ફરજમાં બેદરકારીને કારણે ઘરભેગા કરાયેલા દિનેશ સદાદિયા અને તેના સાગરિતો દ્વારા મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી કરવામાં આવેલી છે. આ કારણોસર પીડિત મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા દિનેશ સદાદિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ પણ સમિતિ સમક્ષ કરવામાં આવેલી છે. દિનેશ સદાદિયા વિરુદ્ધ થયેલી વિવિધ ફરિયાદો અને પુરાવાઓને આધારે રાજકોટ કોર્પોરેશનના કમિશનર અને શાસનાધિકારી સહિત શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા ભવિષ્યમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવાના સંકેત આપવામાં આવ્યા છે.
- Advertisement -
મહિલાની પજવણી અને ફરજમાં બેદરકારીને કારણે ઘરભેગા કરાયેલા દિનેશ સદાદિયા વિરુદ્ધ પીડિત મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા પોલીસ ફરિયાદની માંગ
RMC કમિશનર અને શાસનાધિકારી સહિત શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા દિનેશ સદાદિયા વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવાના સંકેત
સદાદિયા સસ્પેન્ડ થતાં બંસી, હેતલ, વિવેક અને દીપક જેવા કામચોર શિક્ષકોની ટોળકીમાં હડકંપ
- Advertisement -
રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરવામાં આવતા તેઓ તો હાફડાફાફડા થઈ ઉઠ્યા છે. આ સાથે જ તેમના જેવા ભણાવવા ન ગમતું હોય કે ફરજમાં બેદરકારી દાખવતા હોય તેવા ઝડનબંધ શિક્ષકોનો ટોકળીમાં પણ હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાસનાધિકારી દ્વારા બંસી, વિવેક, દિપક, શૈલેષ, હેતલ, જયશ્રી જેવા દસથી પંદર લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આગામી સમયમાં આવા કામચોરી કરતા કર્મચારીઓ વિરુદ્ધ ઈન્ક્રીમેન્ટ અટકાવવા સુધીની કાર્યવાહી કરવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. અત્રે નોંધનીય છે કે, દિનેશ સદાદિયા સાથે મળી શિક્ષણ સમિતિનું શાંત, સંસ્કારી અને શૈક્ષણિક વાતાવરણ ખરાબ કરનારાઓ વિરુદ્ધ ટૂંકસમયમાં મોટી કાર્યવાહી કરવાની પરવાનગી પણ ગાંધીનગરથી મેળવી લેવાઈ છે. આ અંગેનો વિસ્તૃત અહેવાલ હવે પ્રસિદ્ધ કરવામાં આવશે.
દિનેશ સદાદિયાએ OPS આંદોલનને કારણે સસ્પેન્ડ કરાયા હોવાનું જૂઠ ફેલાવ્યું, હકીકતમાં મહિલા કેળવણી નિરીક્ષકને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો એટલે છૂટ્ટો કરાયો
ઉલ્લેખનીય છે કે, દિનેશ સદાદિયા શિક્ષણ સમિતિની શાળાઓમાં અને શાળાના કર્મચારીઓ પર પોતાની ધાક જમાવવા માટે સતત પ્રેશર અને તંગદીલી ભર્યું વાતાવરણ ઉભું કરે છે. ભૂતકાળમાં તેના દ્વારા શિક્ષકોને એક જ જગ્યાએથી યુનિફોર્મ ખરીદવા ખૂબ જ દબાણ કરેલું હતું. આ ઉપરાંત હોદ્દાનો દુરુપયોગ કરીને યેનકેન પ્રકારે કર્મચારીઓને હેરાનગતિ કરવામાં અને ખાસ કરીને મહીલા કર્મચારીઓને માનસિક-શારીરિક ત્રાસ આપવાના તેના પર આક્ષેપો થયેલા છે. એ.ડી.પી.સી. અને શાસનાધિકારીશ્રી મારફત સંદર્ભિત પત્ર નં. 1, 3, 11થી એસએસએ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરને પોતાના અભિપ્રાયમાં સ્પષ્ટ જણાવેલું કે, દિનેશ સદાદિયા પોતાની ફરજમાં સતત અનિયમિતતા અને બેદરકારી દાખવી કોઈપણ સહયોગ પૂરો પાડતા નથી માટે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ સંદર્ભિત પત્ર નં. 2, 4, 5, 7થી 9 મારફત દિનેશ સદાદિયાને ફરજમાં સતત અનિયમિતતા અને બેદરકારી સબબ કાર્યવાહી કરેલ હતી. આ સિવાય શિક્ષણ સમિતિની શાળા નં. 78માં કોઈની પણ પૂર્વ મંજૂરી લીધા વગર શાળામાં વિદ્યાર્થીઓને અનધ્યન રાખી શિક્ષકોની તાલીમ જમણવાર સાથે શિક્ષક મંડળના પ્રમુખ અને સીઆરસી દિનેશ સદાદીયા, યુઆઈસી દીપક સાગઠીયા, શૈલેષ પાડલીયા મારફત ગોઠવણ કરવામાં આવેલી હતી. જ્યાં આ ત્રણેય કર્મચારીઓ મારફત એક શિક્ષણની વ્યક્તિને ન છાજે તેવું વર્તન મહિલા કેળવણી નિરીક્ષકશ્રી સાથે શિક્ષણ સમિતિના ચેરમેનની હાજરીમાં કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મહિલા કેળવણી નિરીક્ષકના સ્કુટરનું ટાયર ચીરી નાખી હેરાનગતિ કરી હતી. જે માટે મહિલા કેળવણી નિરીક્ષકે તેમણે સંદર્ભિત પત્ર નં. 12 અને 14 ન્યાયની માંગણી કરી હતી.
શિક્ષણ સમિતિની શાળા નં. 78માં મહિલા કેળવણી નિરીક્ષક સાથે બનેલ બનાવ અંગે સંદર્ભિત પત્ર નં. 13થી શાસનાધિકારી મારફત રાખવામાં આવેલ હિયરીંગ વખતે દિનેશ સદાદિયાને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી કે, ગેરવર્તન અને બેજવાબદારીભર્યા કાર્યમાં સુધારો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ નોટીસ કે જાણ સિવાય તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત દિનેશ સદાદિયા વિરુદ્ધ અસંખ્ય ફરિયાદો શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનને લેખિત-મૌખિકમાં મળેલી હોય તેઓએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લેતા પગલા લેવા સાથેનો ભલામણ પત્ર પાઠવેલો છે. આવા અસંખ્ય પુરાવાઓ આધારે શાસનાધિકારી નરેન્દ્ર આરદેસણા દ્વારા દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરાયો હોવાનું માલમ પડે છે.
રવિવારે સરકારી શાળામાં મંજૂરી વિના મિટિંગ બોલાવી હોવાની ચર્ચા, ઉપસ્થિત રહેલા તમામ પર મનપા કમિશનર પગલાં ન ભરે તો જ નવાઈ
ગઈકાલે રવિવારના દિવસે રાજકોટ શિક્ષણ સમિતિની સરકારી શાળા નં. 20બીમાં દિનેશ સદાદિયાએ પોતાના સમર્થનમાં રહેલા શિક્ષકોની એક મિટિંગ બોલાવી હતી. આ મિટીંગમાં સદાદિયાએ પોતાનું સસ્પેન્શન અટકાવવા માટે શિક્ષકોને સાથ-સહકાર આપવા જણાવ્યું હતું અને શિક્ષણ સમિતિના કાર્યાલય પર ભેગું થવાનું પણ આહવાન આપ્યું હતું. જોકે સસ્પેન્ડ થઈ ગયા બાદ કોઈની પણ મંજૂરી લીધા વિના કે કોઈને જાણ કર્યા વિના દિનેશ સદાદિયાએ સરકારી શાળાનો અંગત ઉપયોગ કરતા તેમની અને ત્યાં હાજર રહેલા સમર્થકો વિરુદ્ધ મનપા કમિશનર પગલાં ન ભરે તો જ નવાઈ કહેવાશે એવી ચર્ચા ચાલી રહી છે.
શિક્ષણ સમિતિએ શિક્ષણના હિતમાં હુકમ કર્યો, જે કાર્ય પંડિત-પરમાર ન કરી શક્યા તે પુજારા-આરદેશણા અને નિમાવતે કરી દર્શાવ્યું
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તત્કાલિન ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર દ્વારા તેમના માનીતા સદાદિયાને ભરપૂર છાવરવામાં આવ્યા હતા. અનેક કર્મચારીઓએ અને ખાસ તો મહિલાઓએ દિનેશ સદાદિયા વિરુદ્ધ કરેલી ફરિયાદોને દબાવી દેવામાં આવી હતી. જોકે યુનિફોર્મ ભ્રષ્ટાચારના આરોપસર આખી શિક્ષણ સમિતિને ઘરભેગી કરાયા બાદ નવા બનેલા ચેરમેન પુજારા અને વાઈસ ચેરમેન નિમાવતે શિક્ષણ હિતમાં શાસનાધધિકારી આરદેસણાને દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરવાની ભલામણ કરેલી હતી. આમ, જે કાર્ય પંડિત-પરમાર ન કરી શક્યા તે પુજારા-નિમાવતે કરી દર્શાવ્યું છે જેની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.
ભૂતકાળમાં ખાડે ગયેલા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટને સુવ્યવસ્થિત કરવા તેમજ શિક્ષણ સમિતિના સર્વાંગી વિકાસ માટે વાઈસ ચેરમેન પ્રવીણ નિમાવત દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ રંગ લાવી છે. શિક્ષણ સમિતિના અનિષ્ટ એવા દિનેશ જેવાને કાઢવામાં અને ભરતી પ્રક્રિયા આગળ વધારવા વાઈસ ચેરમેન પ્રવીણ નિમાવતે કરેલી કામગીરીની ચોતરફ નોંધ લેવાઈ રહી છે. તેઓએ સ્થાનિક નેતાઓ, ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓને રૂબરૂ મળી શિક્ષણ સમિતિની સમસ્યાઓ જણાવી હતી અને શિક્ષણ વિભાગથી લઈ છેક વડાપ્રધાન સુધીને પત્રો લખી ઘટતું કાર્ય પૂર્ણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહેલા નિષ્ઠાવાન ચેરમેન વિક્રમ પુજારા અને પ્રામાણિક શાસનાધિકારી નરેન્દ્ર આરદેસણાએ દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરવામાં સિંહફાળો ભજવ્યો છે. કોઈની પણ સાડી બાર રાખ્યા વિના તેઓએ એક મહિલાને હેરાનગતિ કરનાર તેમજ પોતાની નોકરી બરાબર ન કરતા એક કામચોર કર્મચારીને ફરજમોકૂફ કરી દાખલારૂપ કામગીરી કરી છે. તેમની આ કામગીરીને કારણે શિક્ષણ સમિતિની શાળાઓના સીધાસાદા શિક્ષકોમાં સુખની લાગણી પ્રસરી ગઈ છે.
શિક્ષણ સમિતિના સર્વાંગી વિકાસ માટે વા.ચેરમેન પ્રવીણ નિમાવતે ઝુંબેશ ઉપાડી છેક વડાપ્રધાન સુધી પત્રો લખ્યા
શિક્ષક સંઘની ચૂંટણી કર્યા વિના બની બેઠેલા પ્રમુખે અમુક શિક્ષકોને હાથો બનાવ્યો
દિનેશ સદાદિયા ખુદને શિક્ષક સંઘના પ્રમુખ ગણાવે છે પરંતુ તેઓ જે શિક્ષક સંઘના પ્રમુખ છે તે શિક્ષક સંઘમાં પ્રમુખ બનવા માટેની ચૂંટણી જ કરવામાં આવી નથી. દિનેશ સદાદિયા શિક્ષક મંડળ બનાવી આપમેળે પ્રમુખ બની ગયા છે અને આ શિક્ષક મંડળના આધારે કેટલાક શિક્ષકોની મદદથી જ શિક્ષણ સમિતિના હોદ્દેદારો, અધિકારીઓ અને કર્મચારીઓને હેરાનગતિ કરવા માટે પંકાયેલા છે. હાલમાં જ મહિલાની પજવણી અને ફરજ પર બેદરકારી બદલ તેને સસ્પેન્ડ કરવામાં આવતા તેઓએ શિક્ષક હક્ક-હિતની મોટીમોટી વાતો કરી અમુક અંગત શિક્ષકોને સસ્પેન્શનનો વિરોધ કરવા મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે તપાસ થવી જોઈએ કે શિક્ષક મંડળનું કાર્ય શું છે અને તેની ચૂંટણી કેમ અને ક્યારે થઈ છે કે નહીં.