ચેરમેન વિક્રમ પુજારા પાછલા બારણેથી સદાદિયાને સતત મદદ કરી રહ્યાં છે
સદાદિયા કે તેના મળતિયાઓ દબાણ કરે તો શાસનાધિકારીનો સંપર્ક કરવો
દિનેશ અને તેના મંડળના સભ્યો દ્વારા બળજબરીથી કે કોઈ ખોટા દબાણ લાવી કોઈપણ પ્રકારના લખાણોમા સહી કરવાનો શિક્ષક કે પ્રિન્સિપાલ પાસે આગ્રહ કરે તો શાસનનાધિકારીને લેખિત અરજી આપવી માટે આગળના સમયમાં શિક્ષક મંડળ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
ડરાવી-ધમકાવી પોઝિટિવ અભિપ્રાય આપવા દબાણ કરવાનોે સદાદિયાને પુજારાનો છૂટ્ટો દોર…
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સસ્પેન્ડેડ શિક્ષક દિનેશ સદાદિયા હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ચેરમેન વિક્રમ પુજારાની મદદ-માર્ગદર્શનથી દિનેશ સદાદિયાએ શિક્ષકોને દબાણ કરી પોતાના માટે હકારાત્મક અભિપ્રાય આપવા જણાવ્યું છે. જે શિક્ષકો દિનેશ સદાદિયા વિરુદ્ધ હકારાત્મક અભિપ્રાય આપી રહ્યા નથી તેમના પ્રત્યે રાગદ્વેશભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિની મહિલા કર્મચારીની પજવણી કરવા ઉપરાંત ફરજમાં બેદરકારી સહિતના ડઝનેક કારણસોર દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમને સસ્પેન્ડ કર્યા બાદ તેમના વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. આ કેસમાં દિનેશ સદાદિયા જવાબ બાદ તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ થવાની છે ત્યારે પોતાનો પક્ષ મજબૂત બનાવવા દિનેશ સદાદિયા તરફથી શિક્ષકોને ફરજીયાત તેમના માટે હકારાત્મક અભિપ્રાય આપવા દબાણ કરવામાં આવતું હોવાનું શિક્ષણ સમિતિના શિક્ષકો કહી રહ્યા છે.
- Advertisement -
અલબત્ત દિનેશ સદાદિયા આ પ્રકારે શિક્ષકોને ફરજીયાત અભિપ્રાય આપવા દબાણ ન કરી શકે તેવું શિક્ષણ સમિતિના સભ્યો જણાવી રહ્યા છે. શિક્ષણ સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર દિનેશ સદાદિયાને શિક્ષકોને ડરાવી-ધમકાવી તેમના માટે હકારાત્મક અભિપ્રાય લેવા ચેરમેન વિક્રમ પુજારાએ છૂટો દોર આપ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ચેરમેન વિક્રમ પુજારા દ્વારા પાછલા બારણેથી શિક્ષક સંઘના પ્રમુખ અને સસ્પેન્ડેડ શિક્ષક દિનેશ સદાદિયાને ફરી ફરજ પર લેવા માટે તમામ પ્રકારના કાવાદાવા કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ છે.
પુજારા દૂધે ધોયેલા હોય તો શિક્ષણ સમિતિ વિરુદ્ધ કાર્ય કરતા શિક્ષણ મંડળની માન્યતા રદ્દ કરી બતાવે
ચેરમેન પુજારાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ સમિતિમાં મહિલાઓ સુરક્ષિત નથી. અનેક મહિલાઓએ શિક્ષક મંડળના હોદ્દેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પણ ચેરમેન પુજારા પાસે માંગણી કરી છે. શિક્ષક મંડળના હોદ્દેદારો શાળાના આચાર્યો અને શિક્ષકોને હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો પણ ચેરમેન પુજારાને રૂબરૂમાં કરવામાં આવી છે. આમ છતાં દિનેશ સદાદિયા જેવા શિક્ષક મંડળના હોદ્દેદારોને પોતાના અંગત સ્વાર્થ ખાતર ચેરમેન પુજારા છાવરી રહ્યા છે ત્યારે શિક્ષણ સમિતિના લાગતાવળગતા કહી રહ્યા છે કે, શિક્ષક મંડળને માન્યતા જ શિક્ષક સમિતિએ આપી છે. હવે શિક્ષક મંડળ દ્વારા શિક્ષણ સમિતિ અને તેના કર્મચારીઓ વિરુદ્ધ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આમ છતાં ચેરમેન પુજારા શિક્ષક મંડળની માન્યતા રદ્દ કરવાની જગ્યાએ શિક્ષક મંડળના હોદ્દેદારોને પ્રોત્સાહન આપી રહ્યા છે. આથી સમજી શકાય છે કે, મહિલાઓની પજવણીથી લઈ આર્થિક ગોટાળાઓ સુધીના કારનામાઓમાં ચેરમેન પુજારાની શું ભૂમિકા હોય શકે છે.