30 વર્ષ દેશના સીમાડાની રક્ષા કરનાર નિવૃત આર્મીમેનનું વતનમાં ભવ્ય સ્વાગત
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય સેનામાં દેશના સીમાડાની રક્ષા કાજે જીવનના 30 વર્ષ વિતાવ્યા બાદ વય મર્યાદાના કારણે નિવૃત થતા આર્મીમેન દિલીપસિંહ ગોહિલનું તેમના વતન હળવદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં હળવદના ધ્રાંગધ્રા દરવાજાથી દરબાર નાકા સુધી દેશભક્તિના નારા સાથે ડીજેના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે આર્મીમેનનું પરિવારજનો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને હળવદની રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા ફુલહાર કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
હળવદના વતની દિલીપસિંહ ગોહિલે ઓગસ્ટ 1992 માં કાશ્મીરમાં પ્રથમ પોસ્ટ મેળવી હતી. વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કરી સતત 30 વર્ષ સુધી દેશના સીમાડાની રક્ષા કરી પોતાના જીવનના મહત્વપૂર્ણ 30 વર્ષ દેશસેવાને સમર્પિત કરનાર આર્મીમેનનું હળવદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સિપાહીથી સુબેદાર સુધીની સફરની વાત કરીએ તો કાશ્મીર, અમદાવાદ, મિઝોરમ, નાગાલેન્ડ, કલકત્તા, દિલ્લી, દહેરાદૂન, કારગીલ, આસામ, ઉદયપુર સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં સીમાડાઓની રક્ષા કરનાર આર્મીમેન દિલીપસિંહ ગોહિલ વય મર્યાદાના કારણે નિવૃત થતા પરિવારજનો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને હળવદની રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા ફુલહાર કરીને હળવદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.