જૂની દીવાલ પડતા અરાજકતાનો માહોલ: સ્થાનિકોની રજૂઆત છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
- Advertisement -
શહેરના છાલીયાપરા વિસ્તારમાં આજે એક વર્ષો જૂની અને જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં દિવાલ પાસે ઉભેલા ત્રણથી ચાર લોકો સમયસર ખસી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી છે. દિવાલ પડતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ધૂળના ગોટા ઉડ્યા હતા અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દિવાલ લાંબા સમયથી અત્યંત નબળી હાલતમાં હતી અને આ બાબતે અગાઉ તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં, કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા આજે આ ઘટના ઘટી હતી. દિવાલ પડવાને કારણે ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ સ્થાનિકોએ એકઠા થઈને જર્જરિત ઇમારતો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર હોનારત ન સર્જાય.



