ખાસ-ખબર સંવાદદાતા
નાણાકીય વર્ષ 2023માં દેશમાં ડિજિટલ ધિરાણ વાર્ષિક ધોરણે 2.5 ગણું વધીને રૂ. 92,848 કરોડ થયું છે. જે જબરદસ્ત માંગ અને આર્થિક વૃદ્ધિને દર્શાવેે છે. નાણાકીય વર્ષ 2022માં ડિજિટલ લોન રૂ. 35,940 કરોડ હતી અને નાણાકીય વર્ષ 2021 માં તે રૂ. 13,461 કરોડ હતી.
ફિનટેક એસોસિએશન ફોર ક્ધઝયુમર એમ્પાવરમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નીચા આધાર અને ઊંચી માંગને કારણે ડિજિટલ ધિરાણ ઉદ્યોગને ફુગાવાના સમયગાળામાંથી પસાર થવું પડયું હતું. લોન વેલ્યુના સંદર્ભમાં વૃદ્ધિ જળવાઈ રહી હતી પરંતુ વર્ષના બીજા ક્વાર્ટરમાં આ વૃદ્ધિ મંદ પડી હતી. ફિનટેક એસોસિએશનના સભ્ય કંપનીઓને નાણાકીય વર્ષ 23 માં વિતરણ કરાયેલ ડિજિટલ લોનની સંખ્યા 7.26 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022માં કોવિડ સંબંધિત પડકારો જબરજસ્ત રીતે હાજર હતા અને તે વર્ષમાં ડિજિટલ લોનની સંખ્યા 3.1 કરોડ હતી. તેથી નાણાકીય વર્ષ 22ની સરખામણીએ નાણાકીય વર્ષ 2023માં સંખ્યા બમણા કરતાં વધુ હતી.
- Advertisement -
ડિજિટલ ધિરાણકર્તાઓની ઇન્ડસ્ટ્ર્રી બોડી અનુસાર, સમાવિષ્ટ આર્થિક વૃદ્ધિના યુગમાં ધિરાણની મોટી માંગ હતી. આ વધેલી માંગનો ડેટા અસુરક્ષિત લોન પ્રદાન કરતી ડિજિટલ ધિરાણની સંભવિતતા અને અસરને પ્રકાશિત કરે છે. નાણાકીય વર્ષ 22-23ના પ્રથમ છ મહિનામાં માંગ ઝડપથી વધી હતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં તેમાં ઘટાડો થયો હતો પરંતુ છેલ્લા ક્વાર્ટરમાં તે પોઝિટીવ ટેરિટરી પર પહોંચી ગઈ હતી.
ડિજિટલ ધિરાણમાં ફર્સ્ટ લોસ ડિફોલ્ટ ગેરંટીની પ્રતિકુળ અસર
ડિજિટલ ધિરાણમાં ફર્સ્ટ લોસ ડિફોલ્ટ ગેરંટી (એફએલડીજી) પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની માર્ગદર્શિકા એવા સેગમેન્ટમાં બિઝનેસને અસર કરી શકે છે જ્યાં એફએલડીજી હાલમાં નિર્ધારિત મર્યાદાથી ઉપર છે તેમ ક્રિસિલ રેટિંગ્સના રિપોર્ટમાં જણાવાયું છે. રિઝર્વ બેન્કે એફએલડીજીની માત્રા અને સહભાગી મોડલમાં નોન-પરફોર્મિંગ એસેટ્સની માન્યતાના સંદર્ભમાં ધોરણોને વધુ કડક બનાવ્યા છે. આમાં લોન ર્પોર્ટફોલિયોના 5 ટકા પર એફએલડીજી કેપિંગ અને કોલેટરલ તરીકે કોર્પોરેટ ગેરંટીને મંજૂરી ન આપવા જેવા ફેરફારોનો સમાવેશ થાય છે.