અન્યત્ર ઉમેદવાર બદલાયા પણ બનાસકાંઠામાં બદલવા ન દીધા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ,
ગુજરાતમાં સતત ત્રીજી વખત ર6 બેઠક જીતીને કલીનસ્વીપ અને હેટ્રીક સર્જવામાં ભાજપને માત્ર એક બેઠકનું છેટુ રહી ગયું ત્યારે ભાજપે ગુજરાતમાં મોટી જીત છતાં મંથન કરવાનો સમય આવી ગયો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની જીદના કારણે કોંગ્રેસે ભાજપનો ગઢ તોડવામાં સફળતા મળ્યાની ફરિયાદો થવા લાગી છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે પણ બનાસકાંઠા બેઠક જીતીને કોંગ્રેસ દસ વર્ષ બાદ ખાતુ ખોલાવવામાં સફળ થઈ છે. ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપના વિજય રથનો રોક્યો છે જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમસ્ટેટમાં ભાજપ 26 પૈકી 26 બેઠકો જીતી શકી નહી.
હવે ભાજપમાં એવો ગણગણાટ છેકે, જો રેખા ચૌધરીને સ્થાને અન્ય મજબૂત ઉમેદવાર હોત તો આ પરિણામ આવ્યુ ન હોત. મહત્વની વાત તો એછેકે, ઉમેદવાર બદલવા માટે કમલમમાં પાટીલને રજૂઆત કરાઈ હતી તેમ છતાંય કોઇ ધ્યાન અપાયુ ન હતું. બનાસકાંઠા બેઠક પર બનાસની બેનની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલાં ગેનીબેન ઠાકોરે ભાજપને ચૂંટણી મેદાને મ્હાત આપી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં તો જાણે નવા પ્રાણ ફુંકાયા છે. 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યાં છે. ભારે રસાકસીના અંતે ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને હરાવ્યા હતાં. કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવીને પાંચ લાખની લીડથી 26 બેઠકો જીતવાનો ભાજપનો નશો ઉતાર્યો છે. હવે ભાજપમાં જ ગણગણાટ ચાલી રહ્યો છે કે, સ્થાનિક નેતાઓના રોષ-રજૂઆતને કારણે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલાયા હતાં.
- Advertisement -
આ સમયગાળા દરમિયાન, બનાસકાંઠાના સ્થાનિક નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળીને રેખા ચૌધરીને બદલવા માંગ કરી હતી. ભાજપ ગેનીબેન ઠાકોરને હરાવી નહી શકે, ગેનીબેન મજબૂત ઉમેદવાર છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ચર્ચા એવી છેકે, રેખા ચૌધરીને બદલવાની માંગ ઉગ્ર બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી. શંકર ચૌધરીને ઉમેદવાર યથાવત રાખવાની જીદ સામે પાટીલે નમતુ જોખ્યુ હતું. જેના કારણે સ્થાનિક નેતાઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી. આખરે ગેનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડુ પાડયુ હતું. જો રેખા ચેધરીને બદલવામાં આવ્યા હોત તો કદાચ ભાજપનુ ક્લીન સ્વિપનું સપનું સાકાર થયુ હોત. આમ, હવે જયારે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીની હાર થઈ છે ત્યારે ભાજપના જ સ્થાનિક નેતાઓ શંકર ચૌધરીને માથે ઠીકરું ફોડી રહ્યાં છે.