બાગાયતી ખેતી દ્વારા ટેટીનું વાવેતર કરી બમણી આવક મેળવતા ખેડૂતો
આ વર્ષે કિલોએ 25થી 27 રૂપિયા ભાવ મળી રહ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો જણાવ્યા મુજબ તેઓ પહેલા મુખ્યત્વે એરંડા, કપાસ જેવા પાકો પર નિર્ભર રહેતા જેમાં પૂરતું વળતર કે પોષણક્ષમ ભાવો મળતા. જ્યારે જિલ્લા બાગાયત ખેતીવાડીના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી થકી સાથે સરકારી સહાય દ્વારા આજે ટેટીનું ઉત્પાદન કરીને દોઢ ગણીથી બમણી આવક મેળવી રહ્યા છે. અન્ય પાકો કરતા તરબૂચ, ટેટી અને દાડમ જેવા રોકડીયા પાકોના ઉચ્ચકક્ષાના ઉત્પાદન થકી સારી આવક મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાગાયત ખાતાના ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતો સરકારી યોજનાઓથી વધુને વધુ માહિતગાર થાય અને બમણીથી વધુ આવક મેળવી રહ્યા છે. લાભાર્થી ખેડૂતોએ અન્ય ખેડૂતોને પણ રોકડીયા પાક તરફ વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન પણ સાકાર કરવા સહભાગી થવા અપીલ કરી હતી.હાલ નવલગઢ ગામના 5થી 7 ખેડૂતો દ્વારા 100 વીઘામાં ટેટીનુ વાવેતર કર્યું અને તે સારી ક્વોલિટીનું ઉત્પાદન કરીને ટેટીનું વેચાણ કરી રહ્યા છે. ગત વર્ષે 21 રૂપિયા પ્રતિ કિલો વેચાણ કર્યું હતું. જે આ વર્ષે 25થી 27 રૂપિયા ભાવ મળી રહ્યો છે અને વેપારીઓને ડાયરેક્ટ વેચાણ કરે છે. એક વીઘામાં 200થી 250 મણથી જેટલી ટેટીનું ઉત્પાદન થાય છે. ઓછા ખર્ચ અને 70 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. ખેડૂતો દ્વારા ટેટીનું વાવેતર કરી ઓછા ખર્ચે એક વીઘામાં સારું ઉત્પાદન કરી 50 હજારથી વધુના ઉત્પાદન દ્વારા આવક મેળવે છે. અન્ય ઉત્પાદન કરતા બમણી આવક મેળવી શકાય છે.



