ચેરમેન – વા.ચેરમેનની ટર્મ પૂર્ણ થતા ખેડૂતોના હિતમાં લેવાતા નિર્ણયો અધ્ધરતાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક વધતા ભાવમાં કડાકો જોવા મળ્યો છે. ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ સક્રિય કરવા માટે અનેક ધમપછાડા બાદ અંતે હાલ ધણીધોરી વગરનું ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની સ્થિતિ “માસ્ટર મારે નહીં અને ભણાવે નહીં” જેવી છે જેમાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા એક વર્ષથી પૂર્ણ થઈ ચૂકેલી ચેરમેન તથા વાઇસ ચેરમેનની ટર્મ બાદ નથી ચૂંટણી આવતી કે નથી કોઈ વહીવટી શાસન, જેના લીધે માર્કેટિંગ યાર્ડમાં કેટલાક વિકાસના કામો અટકીને પડ્યા છે. હાલ માવઠાની સીઝનમાં માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટી મંજૂરી માટે માત્ર ચોપડા પર લટકી રહેલો શેડ નિર્માણ થઈ શક્યો નથી જેના લીધે કેટલાય ખેડૂતો અને વેપારીઓની ખરીદી કરેલ પાક પર વરસાદી પાણી ફરી વળ્યું હતું ત્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં આવતા સમયમાં આવનારી ચૂંટણીમાં પણ એક જ પેનલના ડિરેક્ટરો એકબીજાના તંગ ખેંચમાં પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે અંદરો અંદરની ખેંચતાણને લીધે બિચારા ખેડૂતોની અવદશા જોવા મળે છે જોકે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારની સ્થિતિને લઈ ધ્રાંગધ્રા પંથકમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જ અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે ન છૂટકે પોતાનો પાક વેચાણ માટે આવે છે બાકી મોટાભાગના ખેડૂતો હળવદ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચાણ માટેનો આગ્રહ રાખે છે. ત્યારે હાલમાં જ માર્કેટિંગ યાર્ડની એક પેઢી દ્વારા કરોડોનું ફુલેકું ફેરવી દીધા બાદ હવે તો ખેડૂતો અને અન્ય વેપારીઓ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડનો ભરોસો કરવામાં ખચકાટ અનુભવે છે ત્યારે છેલ્લા એક વર્ષથી ચેરમેન તથા વાઇસ ચેરમેનના હોદા અને ચૂંટણી અધ્ધરતાલ હોવાને લીધે હાલ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ધણીધોરી વગરનું હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે.



