7 ઓકટોબરથી 14 જૂન સુધી પર્યટકો માટે અભયારણ્ય ખુલ્લું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણમાં અનેક પ્રકારના જીવો વસવાટ કરે છે જેમાં અનેક જીવો દુર્લભ છે જેમાંના એક ઘુડખર એશિયા ખંડમાં માત્ર અહીં કચ્છના નાના રણમાં જોવા મળે છે જેથી આ ઘુડખર નમક પ્રજાતિને જોવા માટે દર વર્ષે હજારો પર્યટકો રણની મુલાકાતે આવે છે. રણ વિસ્તારમાં ઘુડખરની સાથે રણ લોકડી, વરુ સહિતના પ્રાણીઓ પણ જોવા મળે છે ખાસ કરીને શિયાળાની સિઝન શરૂ થવાની સાથે અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું પણ આગમન થાય છે.
- Advertisement -
સાથે જ વિદેશી પક્ષીઓના આગમન સાથે અહીં પર્યટકો પણ આકર્ષાય છે. આ તરફ સરકાર અને વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી પ્રત્યે સંવેદના રાખવા માટે શિયાળામાં નિ:શુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં પર્યટકોને પ્રાણી અંગેની સમજણ આપવામાં આવે છે. ત્યારે 7 ઓક્ટોબરથી આગામી 14 જૂન સુધી ફરી કચ્છના નાના રણમાં અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
જે બાદ ગુહદખર માટે પ્રજનન કરવાનો સમય હોવાથી તેની શારીરિક પ્રક્રિયામાં બદલાવ આવતા અને ઘુડખર પ્રજનન સમયે કોઈ ખલેલ ન પહોંચે તેવા હેતુથી જૂન મહિના બાદ ફરીથી અભ્યારણ્ય બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની મુલાકાત લેનાર પર્યટકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઘુડખરના વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરતા ઘુડખરની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં વર્ષ 2024માં થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7672 જેટલી નોંધાયેલ છે. ત્યારે હજુપણ ઘુડખરની સંખ્યા સતત વધારા તરફ ગતિ કરી રહી છે.