BU પરમિશન વગર ચાલતી હૉસ્પિટલને નોટિસ તો આપી પરંતુ કાર્યવાહી ક્યારે?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ધ્રાંગધ્રા શહેરની વિવાદિત ડોકટર હાઉસ હોસ્પિટલ સામે તંત્ર કોઈને કોઈ રીતે રીતસર ઘૂંટણિયે પડ્યું હોય તેવો ઘાટ નજરે પડી રહ્યો છે. જેમાં ડોકટર હાઉસ હોસ્પિટલમાં જગ જાહેર ગેરકાયદેસર શેડ અને બી યુ પરમિશન વગર ધમધમતી હોવા અંગે પાલિકા તંત્રે ત્રણેક નોટિસ આપી હતી જેમાં અંતે પાલિકા દ્વારા ગત ત્રણ મહિના આગાઉ પણ અંતિમ નોટિસ આપી હતી જેમાં સ્પષ્ટપણે બી યુ પરમિશન નહીં હોવાથી હોસ્પિટલની ઈમારતનો વપરાશ બંધ કરવાનો ઉલ્લેખ કરાયો હતો પરંતુ ત્યાર બાદ ડોકટર હાઉસ સામે આજદિન પગલાં ભરાયા નથી. અંતિમ નોટિસને સમય મર્યાદા એક મહિનાની હતી પરંતુ આજે ત્રણ મહિના થઈ ચૂક્યા છે છતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટના નોતરતું હોય તેની માફક હાથ પર હાથ ધરીને બેઠું છે. ત્યારે સ્પષ્ટ રીતે હવે ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલક સામે તંત્ર પણ ઘૂંટણિયે હોય તેવા એંધાણ નજરે પાડી રહ્યા છે.
- Advertisement -
સુરતના તક્ષશીલા અગ્નિકાંડ બાદ જ્યારે ડોકટર હાઉસ ને ગેરકાયદેસર શેડ હટાવવા નોટિસ આપી ત્યાર બાદ કોઈ કાર્યવાહી થઈ નથી જે બાદ રાજકોટના ટીઆરપી અગ્નીકાંડ બાદ પણ ગેરકાયદેસર શેડ અંગે નોટિસ આપી હતી પરંતુ તંત્રની નોટિસને માત્ર કાગળનો ટુકડો સમજી બેસનારા આ સંચાલક સામે “ખાસ – ખબર” દ્વારા મુહિમ ચલાવી હતી અને અંતે ગેરકાયદેસર શેડ ઉતારવાની ફરજ પડી હતી પરંતુ ડોકટર હાઉસના છત પર રહેલ શેડ માત્ર ગેરકાયદેસર ન હતો સાથો સાથ અખૂટ હોસ્પિટલ બી યુ પરમિશન વગર વર્ષોથી ચાલતી હતી જે અંગે “ખાસ-ખબર” અહેવાલ બાદ દ્વિતીય અને ત્રીજી નોટિસ પણ આપી હતી પરંતુ ત્રીજી અને આખરી નોટીસમાં એક મહિના માટે આપેલ સમય દરમિયાન હોસ્પિટલનો વપરાશ બંધ કરવા જણાવ્યા છતાં આજદિન સુધી હોસ્પિટલ ધમધમે છે અને તંત્ર સમય વીત્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં રાજી નથી. ત્યારે નગરપાલિકાના જુનિયર ટાઉન પ્લાનર ઓફિસર આગળની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરના માથે ઠીકરું ફોડી રહ્યા છે ત્યારે એક બીજા અધિકારી દ્વારા કામગીરી અને સંકલનના અભાવે હોસ્પિટલના મુદ્દો કડે ચડ્યો છે. ત્યારે આ બંને અધિકારીઓના સંકલનના અભાવે આ તરફ જો હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થશે ત્યારે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન પણ અહી ઉદભવી રહ્યો છે.