ખાસ-ખબર સંવાદદાતા
ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયાની કારનો અકસ્માત થયો હતો. ગઈકાલે રાત્રે વડોલી ચોકથી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કારમાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેમની કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનામાં ઘારાસભ્યનો બચાવ થયો હતો અને સહેજ પણ ઈજા પહોંચી નથી. ત્યારબાદ ધારાસભ્ય અન્ય કારમાં રવાના થયા હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉપલેટાના વડોલી ચોક પાસે ધારાસભ્ય પાડલિયાની કાર સ્ટ્રીલ લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. સદનસીબે કારની સ્પીડ ધીમી હોવાને કારણે અકસ્માત વધુ ગંભીર નહોતો થયો. આ ઘટના બનતાં જ લોકોના ટોળા એકઠા થવા માંડ્યા હતાં. આ બનાવમાં કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. ધારાસભ્યની કારનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલી શકે તેમ નહીં હોવાથી ધારાસભ્યને અન્ય કારમાં બેસાડીને રવાના કરવામાં આવ્યા હતાં.