ઈન્કમટેક્સ વિભાગની પણ શંકાસ્પદ ચૂપકીદી
મોટા ગજાના બૂકી સ્થાનિક બૂકીને સુપર માસ્ટર અને માસ્ટરમાં 10થી લઈને 85% સુધીની ઓફર
સ્થાનિક બૂકીઓ સટ્ટાના હાર-જીતની લેતીદેતીની રકમ વિદેશમાં રહેતાં બૂકીઓને હવાલા મારફતે વહીવટ
ખાસ-ખબર હવે ગોરખધંધાની ગૃહમંત્રીને અને DGને જાણ કરશે
આજ સુધી ‘ખાસ-ખબર’એ માત્ર અહેવાલો પ્રકાશિત કર્યા છે અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવેથી દારૂ-જૂગાર, કેફી દ્રવ્યો, સટ્ટો વગેરેની માહિતી સીધી જ ગૃહમંત્રીને પણ આપશે અને રાજ્યનાં પોલીસ વડા સુધી પણ પહોંચાડશે. ઉપરાંત આવી દરેક વિગતો CID ક્રાઈમનાં IGને અને ઈન્કમટેક્સ વિભાગને પણ મોકલવામાં આવશે.
સુપર માસ્ટર એટલે શું?
પંટરોની આઈ.ડી. બનાવવા માટે બૂકીઓને માસ્ટરની જરૂર પડે છે જેથી તે મોટા ગજાના બૂકીનો સંપર્ક કરી માસ્ટર મેળવે છે. જે બૂકીનો ધંધો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય અને તેની અંડરમાં અનેક નાના બૂકીઓ કપાત કરવા આવતા હોય અથવા માસ્ટર લેવા માટે આવતા હોય ત્યારે આવા બૂકીઓને સુપર માસ્ટરની જરૂર પડે છે. આ સુપર માસ્ટર વિદેશમાં રહેતાં મોટા ગજાના બૂકીઓના સંપર્કથી મળે છે. આ સુપર માસ્ટરમાં સ્થાનિક ગજાનો મોટો બૂકી નાના ગજાના અલગ-અલગ બૂકીઓને અલગ-અલગ ટકાની ભાગીદારી રાખી માસ્ટર બનાવી આપે છે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્થાનિક બૂકીઓ સટ્ટાની હાર-જીતની રકમ પંટરો પાસેથી વસુલવા અથવા આપવા માટે કલેકશન માટેનો અલગથી સ્ટાફ રાખેલો હોય છે. જ્યારે બીજા શહેર કે ગામડાના પંટરોને પૈસાની લેતી-દેતી કરવા માટે ચોક્કસ આંગડિયાની ઓફિસ કે જેમાં બૂકીએ અગાઉથી ડિપોઝીટ પેટેની રકમ ભરી ખાતુ ખોલાવેલું હોય છે જેથી પંટર જીતે કે હારે ત્યારે પૈસાની લેવડ-દેવડ આંગડિયા પેઢી મારફત થાય છે. મોટા ભાગની આંગડિયા પેઢી તો બૂકીઓની જ હોય છે અથવા તેમાં તેની 50% ભાગીદારી હોય છે. ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ અને લાઈવ કસીનો વગેરે સહિતની રમતો પર સટ્ટો રમવા માટે બૂકીઓ પંટરોને આઈ.ડી. આપતાં હોય છે. આ આઈ.ડી. બનાવવા માટે સ્થાનિક બૂકીને મોટા ગજાના બૂકીઓ સુપર માસ્ટર અને માસ્ટર આપે છે. જેમાં 10થી લઈને 85% સુધીની હાર-જીતમાં ભાગીદારીની ઓફર કરવામાં આવતી હોય છે. આઈ.ડી.માં રમાતા સટ્ટાના હાર-જીતની લેતીદેતીની રકમ સ્થાનિક બૂકી વિદેશમાં રહેતાં બૂકીઓને હવાલા મારફત કરતાં હોય છે. નાના ગજાના બૂકી અને પંટરોને પોલીસ બાતમીના આધારે સ્ફૂર્તિ દાખવી ઝડપી પાડે છે પરંતુ પોલીસ તપાસમાં મોટા ગજાના બૂકીઓ સુધી પહોંચવા પોલીસ કેમ કમજોર પડે છે કે લાચાર તે પણ ચર્ચાનો પ્રશ્ર્ન છે.
ID સામે IB-IT જેવાં વિભાગ આંધળાં-અબુધ!
આઈડી પર ઓનલાઈન રમાતા સટ્ટાઓ પર આજ સુધી સરકારનું આઈબી અને આઈટી વિભાગ જાણે અંધ અને અબુધ હોય એવું લાગી રહ્યું છે. આઈડી મારફતે ઓનલાઈન કરોડો રૂપિયાના જુગાર રમાઈ છે, સટ્ટાઓ ખેલાઈ છે. આ ઓનલાઈન રમાતા કરોડો-અબજો રૂપિયાનાં સટ્ટા-જુગારમાં મોટા માથાઓ રમનાર અને રમાડનાર હોય આઈબી અને આઈટી વિભાગ કાર્યવાહી કરતા અંચકાતું હોય તેવું લાગી રહ્યું છે એટલે જ આજ સુધી બુકીની દુનિયાના બાદશાહો અને મોટા માથાઓ બેફામ બની હવે ઓનલાઈન જુગાર-સટ્ટાનો વેપલો શરૂ કરી રહ્યા છે. સરકારનું આઈબી અને આઈટી વિભાગ જો ધારે તો ઓનલાઈન રમાતા જુગાર-સટ્ટા પર રોક લગાવી શકે છે, ગુનેગારોને પકડી શકે તેમ છે.