ધોનીનું બેટ હજુ પાંચ વર્ષ સુધી ગર્જના કરશે: ચેન્નાઈ સુપરકિંગ્સના બેટિંગ કોચ માઈક હસીની ચોખવટ
ખાસ-ખબર સંવાદદાતા
ચેન્નાઈ સુપરકિંગ્સના બેટિંગ કોચ માઈક હસીએ કહ્યું કે, કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિકેટ ઉપર દોડીને પોતાના ઘૂંટણ ઉપર દબાણ લાવવા નથી માંગતા એટલા માટે બેટિંગ ક્રમમાં નીચે ઉતરીને ફિનિશ કરવા માંગે છે. ધોની આખી આઈપીએલ ઘૂંટણની ઈજા સામે ઝઝૂમતા રહ્યા છે આમ છતાં વિકેટકિપિંગ અને આઠમા નંબરે ઉતરીને સંક્ષિપ્ત પરંતુ ઉપયોગી ઈનિંગ રમી ચૂક્યા છે.
હસ્સીએ આજે દિલ્હી સામેની મેચ પહેલાં કહ્યું કે, તેઓ હજુ આગામી પાંચ વર્ષ સુધી રમી શકે છે. અત્યારે તેઓ સારી બેટિંગ કરી રહ્યા છે અને પોતાની રમત ઉપર મહેનત કરે છે. તેમનામાં છગ્ગા મારવાની ક્ષમતા છે. જ્યાં સુધી તેઓ રમતની મજા લેશે ત્યાં સુધી ટીમ માટે યોગદાન આપતા જ રહેશે. તેમની પાસે આગલા પાંચ વર્ષ સુધી નહીં રમવા પાછળ કોઈ જ કારણ નથી.
હસીએ કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે તેઓ અંતિમ ઓવરમાં જ બેટિંગ કરવા માંગે છે. તેમનું ઘૂંટણ 100% ફીટ નથી અને આ જ કારણથી તેઓ દસમી, 11મી કે 12મી ઓવરમાં ઉતરતા નથી જેથી ઝડપથી દોડવું ન પડે. ધોની બને ત્યાં સુધી બેટિંગ કરવાનું ટાળે છે જેથી ઈનિંગના અંતમાં ઝડપથી રમી શકે. તેમણે શિવમ દૂબે, રવીન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ ઉપર ખૂબ જ ભરોસો મુક્યો છે.
બીજી બાજુ કેકેઆર વિરુદ્ધ ચેપોક સ્ટેડિયમ પર હાર્યા બાદ મેદાનનું ચક્કર લગાવતી સમયે તેમના ઘૂંટણમાં આઈસપેક લાગેલું હતું જે અંગે હસીએ કહ્યું કે અમને મેદાન પર દર્શકોનું જોરદાર સમર્થન મળ્યું હતું. એમ.એસ.ધોની લેજન્ડ છે અને દરરોજ આવા માહોલમાં રમવાની તક મળતી નથી એટલા માટે તેમણે ચક્કર લગાવ્યું હતું.
- Advertisement -