ઙજઈં બનવાની તક ત્યજી પરંપરાગત કલાને બચાવવા સેવા માર્ગ પસંદ કરનાર અધિકારીની અનોખી સફર
373 પ્રકારની પાઘડીને કચ્છના પ્રાગ મહેલના મ્યુઝિયમમાં સંગ્રહિત કરવાની તૈયારી
- Advertisement -
પાઘડી શૈલીઓને જીવંત રાખવા 23 કેમ્પમાં સેંકડો યુવાનો તાલીમ આપી, 16 પ્રદર્શન
પાંચ વર્ષની ઉંમરે શરૂ થયેલો શોખ આજે રાજ્યની સાંસ્કૃતિક ઓળખ બન્યો, સોમનાથને અર્પણ વિશાળ પાઘડી ચર્ચામાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા પાસે અનોખી કળાનો ભંડાર છે. તેઓ ભારતના વિવિધ પ્રાંતોમાં પ્રવર્તતી 373 પ્રકારની પરંપરાગત પાઘડી બાંધવામાં નિપુણ છે અને આ મહારથ ધરાવતા દેશના એકમાત્ર કલાકાર છે. સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે તેમણે પીએસઆઇ બનવાની તક છોડી જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે સેવા આપવાનું પસંદ કર્યું. ધર્મરાજસિંહનો પાઘડીકલા પ્રત્યેનો લગાવ બાલ્યકાળથી જ શરૂ થયો હતો. પાંચ વર્ષની ઉંમરે તેમણે પોતાના વતન ગાંગડના રાજવી પરિવારના સભ્યને સાફો બાંધી સૌને અચંબામાં મૂકી દીધા હતા. પરિવારના વિવિધ પ્રસંગોમાં નજીક-દૂરથી આવતા લોકોની જુદી જુદી પાઘડી શૈલીઓ જોઈ તેમની જિજ્ઞાસા વધુ પ્રબળ બની. રાજકોટ શહેરમાં સ્નાતક અભ્યાસ દરમિયાન એનસીસી તથા રાષ્ટ્રીય કેમ્પોમાં ભાગ લેતા તેઓ દેશના અનેક રાજ્યોમાં ફર્યા અને દરેક પ્રદેશની પાઘડી શૈલીને નજીકથી શીખી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, પંજાબથી લઈને વિદેશ સુધીની પાઘડી પરંપરાઓનો અભ્યાસ કરી તેમણે અનોખું જ્ઞાન સંકલિત કર્યું. પાઘડી માત્ર વસ્ત્રવિભાગ નહીં, પરંતુ ગુજરાતી-રાજસ્થાનીથી લઈ મરાઠા પરંપરામાં ગૌરવ, સન્માન અને લડવૈયા સ્વાભિમાનનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં તેને ઉષ્ણીશ તરીકે ઓળખાતી હતી અને યુદ્ધ-શાંતિ બંને સમયના શિરોભૂષણ રૂપે તેનું વિશેષ માન હતું. ગુજરાત અને કાઠિયાવાડની કળા ભરેલી પાઘડી શૈલી બાંધવી એ સૌથી કપરી ગણાય છે. 9થી 13 મીટર લાંબા પૂર્ણ પન્ના કાપડમાંથી ગુજરાતી કે રાજસ્થાની પાઘડી બાંધવામાં આવે છે. વાઘેલા જણાવે છે કે આ પ્રાચીન પરંપરા ધીમે ધીમે ભૂલાઈ રહી છે, પરંતુ તેઓ પોતાના આઠ વર્ષના દીકરાને પણ આ કલા હસ્તાંતરિત કરી રહ્યા છે. આજે તેમના પુત્ર ધ્રુવરાજ સિંહને મોટાભાગના સાફા બાંધતા આવડી ગયું છે
વાઘેલાએ પોતાની કળાને જનમાનસ સુધી પહોંચાડવા અત્યાર સુધી 16 પ્રદર્શનો અને 23 ટ્રેનિંગ કેમ્પ યોજ્યાં છે અને 40 જેટલા યુવાનોને આ કળામાં નિષ્ણાંત બનાવી તેમને વ્યવસાયિક રીતે ઉભા કર્યા છે. આર્થિક રીતે નબળા કેટલાંક યુવાનોને કાપડ આપી સહાયતા પણ કરી છે. સૌથી વિશેષ અને મહત્વનું છે કે તેમણે સોમનાથ મહાદેવના 7 મિટર ઘેરાવ ધરાવતા શિવલિંગને 200 મીટરના કાપડમાંથી તૈયાર કરેલી વિશાળ પાઘડી સમર્પિત કરી, જે સાંસ્કૃતિક ભક્તિ અને કલાનો અનોખો સંયોગ છે.
373 પ્રકારની પાઘડીઓને તેઓ કચ્છના પ્રાગ મહેલના મ્યુઝિયમમાં સંગ્રહિત કરવાની તૈયારી કરી રહ્યા છે, જેથી આગામી પેઢીઓ માટે આ પ્રાચીન કલા અમર રહી શકે. શોખને સેવા અને સંસ્કૃતિ સાથે જોડનાર આ અધિકારીની કલા માત્ર વારસાનું રક્ષણ જ નહીં, પરંતુ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.



