સોના-ચાંદી, ડાયમંડ, રીયલ એસ્ટેટ, વાહનો, ઈલેકટ્રોનિકસ ચીજો તથા હોમ એપ્લાયન્સીઝ જેવી ચીજોમાં મોટી ખરીદી: માર્કેટમાં રોનક: વેપારના અગાઉના રેકોર્ડ તૂટવાનું અનુમાન
ખાસ-ખબર સંવાદદાતા
પ્રકાશ વર્ષ દિવાળીના તહેવારોની શ્રૃંખલામાં આજે ધનતેરસનાં શુકનવંતા દિવસે દેશભરમાં ખરીદીની ધુમ છે. સોના-ચાંદી, વાહન,મિલકત સહીતની ખરીદીને શુભ ગણવામાં આવે છે. જયારે પવિત્ર દિને પરંપરા જાળવવા, મોટાપાયે ખરીદીનો ટ્રેંડ છે.આજે એક જ દિવસમાં દેશમાં 45 ટન સોનાનું વેચાણ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
દેશભરમાં હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળીનો માહોલ જામી જ ગણે છે. કેટલાંક દિવસોથી માર્કેટો ભરચકક જોવા મળી છે અને લોકો જુદી-જુદી ચીજોની ખરીદી કરતા રહ્યા છે.વેપાર જગત માટે વર્ષની આ સૌથી મોટી ખરીદી સીઝન હોવાનું સ્પષ્ટ છે. ત્યારે આજે ધરતેરસે સૌથી મોટો કારોબાર થવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
પવિત્ર દિવસ અને લોકોના પોઝીટીવ માનસથી દરેક ક્ષેત્રોમાં વિવિધ ચીજોની ડીમાંડમાં વૃધ્ધિ છે. વેપારીઓના ચહેરે ચમક છે અને વર્તમાન સેન્ટીમેન્ટને ધ્યાને લેતા આ સીઝનમાં પાછલા વર્ષોનાં કારોબારના રેકોર્ડ તુટવાનું અનુમાન છે. જવેલરીથી માંડીને રીયલ એસ્ટેટ વાહનો, હોમ એપ્લાયન્સીસ તથા ઈલેકટ્રોનિક ચીજોમાં ભરપુર ડીમાંડ હોવાના નિર્દેશ છે.
ગોદરેજ હોમ એપ્લાયન્સીઝનાં બિઝનેશ હેડ કમલ નંદીના કહેવા પ્રમાણે અર્થતંત્ર સારૂ છે. કોરોના કાળનો ગભરાટ-સાવચેતી દુર થઈ ગઈ છે.વેપાર ધંધા તથા લોકોની આવક નોર્મલ થઈ ગઈ છે. આ સંજોગોમાં લોકોનું માનસ સારૂ હોવાને કારણે તહેવારોની સીઝનની ડીમાંડના 40 થી 45 ટકાની વૃધ્ધિનું અનુમાન છે.
ધનતેરસે સોના-ચાંદીની ખરીદીને ઘણી શુભ માનવામાં આવે છે.દેશભરમાં ખરીદીનો માહોલ છે.ઈન્ડીયન બુલીયન જવેલર્સ એસોસીએશનનાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ એવો અંદાજ વ્યકત કર્યો હતો કે આજે ધનતેરસનાં પવિત્ર દિવસે દેશભરમાં 45 ટન સોનાનું વેચાણ થશે. આ ઉપરાંત રીયલ ડાયમંડ તથા લેબઝોન ડાયમંડની કિંમતોમાં ઘટાડો થયો હોવાના કારણોસર તેની ડીમાંડમાં પણ વૃધ્ધિ થવાનો અંદાજ છે.
ઝવેરીઓ દ્વારા વધારવા માટે ખાસ ઓફરો મુકવામાં આવી હોવાથી તેનુ પણ આકર્ષણ છે. સોના-ચાંદી ઉપરાંત રીયલ એસ્ટેટમાં પણ સારો ધમધમાટ છે.પવિત્ર દિવસે એફોર્ડેબલ હાઉસીંગથી માંડીને લકઝરી હોમની ખરીદી છે.દેશભરમાં બીલ્ડરો દ્વારા સેકડો નવા પ્રોજેકટ મુકવામાં આવ્યા છે.
આ સિવાય વાહનોની બમ્પર બુકીંગ છે અને સેંકડો-હજારોની સંખ્યામાં વાહનોનું વેંચાણ ડીલીવરી થયાનું અનુમાન છે. ફ્રીઝ, ટીવી, વોશીંગ મશીન જેવી ઈલેકટ્રોનિકસ આઈટેમો તથા હોમ એપ્લાયન્સીઝના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો અંદાજવામાં આવી રહ્યો છે.