‘તમારી કંપની બંધ કરી દેજો નહીતર તમારા શેઠ સહિત બધાના સરનામા વિખાઇ જશે’ કહી ધમકી
ભાડાકરાર સહિતના ડોક્યુમેન્ટ લઇ, ગાળો ભાંડી માર મારતા મેનેજરની ચાર સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ક્રિષ્ના વોટરપાર્કના માલિકે વોટરપાર્કની અંદર જ ભત્રીજાની સૌંદર્ય પ્રસાધનની કંપની ખાલી કરાવવા મળતીયાઓ સાથે મળી ધમાલ મચાવતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
- Advertisement -
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ કુવાડવા ગામમાં રહેતાં તેમજ કુવાડવા ગામ પાસે આવેલ ક્રિષ્ના વોટર પાર્ક અંદર આવેલ હર્બ એલીમેન્ટસ નેચરોસ્યુટીકલ કંપનીમાં પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા કુંદનભાઇ રામદાસ ગાયકવાડ ઉ.30એ ક્રિષ્ના વોટરપાર્ક વાળા હરિભાઈ ગોવિંદભાઇ કણસાગરા તેમજ નિલેશ માથુર, ગોપી અને છગનભાઇ નામના શખ્સો સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપનીના તમામ પ્રકારના કામકાજ તે સંભાળે છે. કંપનીના માલીક જયભાઈ સુરેશભાઈ કણસાગરા છે આ કંપનીમાં તેઓ સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરે છે ગઇ તા.28/02 ના રોજ ક્રિષ્ના વોટરપાર્કના રીસેપ્શનના ફોન પરથી હર્બ એલીમેન્ટસ કંપનીના એડમીન વિભાગમાં કામ કરતા રવીભાઈ ભેસદડીયાને ફોન કરેલ અને તમારી કંપની બંધ કરી દેજો નહીતર તમારા શેઠ સહીત તમારા તમામ લોકોના સરનામા વિખાઇ જશે તેવી ધમકીઓ આપી હતી.
જેથી આ રવીભાઇએ આ બાબતે જાણ કરતાં આ વાત શેઠ જયભાઇને કહેલ જેથી તેણે કહેલ કે, હરીભાઇ મારા મોટા બાપુજી છે, અને તે અમારો પરીવાર જ છે તેવી વાત કરી હતી.
બાદમાં ગઇ તા.02/03/2025ના સવારે ફરીયાદી કંપનીએ હતો ત્યારે હરીભાઈ કણસાગરા તથા બે અજાણ્યા માણસો આવેલ અને તેઓએ તારો શેઠ કયાં છે તેમ પૂછી આ કંપનીને તાળા મારી દેવા છે અને તારો શેઠ નથી એટલે તું આજ બચી ગયેલ તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા બાદ ગઇ તા.06/05/2025 ના સાંજે ફરીયાદી કંપનીએ હતો ત્યારે હરીભાઈ, ગોપીભાઇ, કીર્તી એન્જીનીયરીંગ વાળા રમેશભાઈ શેરઠીયા આવેલ અને હરીભાઈએ કંપનીના ઓફીસ સ્ટાફને ભેગો કરી કંપનીમાં જઈને બધાનો ગેરકાયદેસર વિડીયો ઉતારેલ અને ફોટા પાડી કહેલ કે, આ કંપનીના જે ડોકયુમેન્ટ હોય તે મને તા.09/05/2025 સુધીમાં આપી દેજો અને નહીં આપ તો હું કંપનીએ આવીને તાળુ મારી દઈશ અને તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા આ વાત શેઠને કરતા તેને જણાવેલ કે, આપણે કાંઈ ફરીયાદ કરવી નથી. ત્યારબાદ ગઇ તા.05/06/2025ના સાંજે હરીભાઇ, નીલેશ માથુર, ગોપી તથા છગનભાઈ વરૂ ગેરકાયદેસર ધસી આવેલ અને કહેલ કે, હજી કંપની કેમ બંધ કરી નથી અને હવે કંપની બંઘ કરવી જ પડશે કહીં ધમકાવેલ અને કંપનીના બધા ડોકયુમેન્ટ તથા ભાડા કરાર માંગેલ જેથી ઓફીસમાંથી ડોક્યુમેન્ટને આપેલ અને આ કંપની બંધ કરી દેજો તેમ કહી બહાર જતા હાથાપાઈ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ તેની સાથેના માણસોએ પણ ગાળા ગાળી કરી હતી.
તેમજ હીરભાઈએ ગાળો આપી કહેલ કે, હવે પછી તુ આ કંપીનમાં દેખાણો તો, હું તને જાનથી મારી નાખીશ તેમ ધમકી મારી જતા રહેલ હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.



