આદિ કવિ નરસૈયા રચિત પદ-ભજન-પ્રભાતિયાનું થયું ગાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ રાજકોટ દ્વારા જૂનાગઢ શહેરની લોઢીયાવાડી ખાતે અખિલ બ્રહ્માંડમાં એક શ્રી તુ હરી શિર્ષક તળે આદિ કવી નરસિંહ મહેતાનાં પદો, ભજનો, પ્રભાતિયાનો સાહિત્યીક વિશિષ્ટ કાર્યક્રમ ચાપરડા શૈક્ષણિક ધામનાં સંતશ્રી મુક્તાનંદ બાપુનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મક્તાનંદ બાપુએ અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે ભક્તકવિ નરસિંહ મહેતા બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા, એના અનેક પાસાઓ આપણે જોઇ શકીએ છીએ. નરસિંહ મહેતા ભક્તિમાર્ગનાં ઉપાસક બની ઈશ્વરની આરાધના કરી હતી. સદગૃહસ્થ, દાયીત્વ નિભાવનારા વ્યક્તિત્વનાં માલીક પણ હતા. એમણે પરંપરાઓનું નિર્વહન પણ કર્યુ છે.પિતાશ્રીનું શ્રાધ્ધ હોય, કે પછી દિકરી કુવરબાઇનાં લગ્ન હોય કે પછી પારિવારીક જવાબદારીઓનું વહન કર્યુ છે. તેમણે ભક્તિમાર્ગમાં હોવા છતાં બાકીની જવાબદારીઓથી પલાયનવાદ ક્યારેય સ્વીકાર્યો નથી. એમનું દાંપત્ય જીવન પણ પવિત્ર રહ્યુ છે. એમની ધીરજની પણ પરાકાષ્ઠા કેદારો ગીરવે મુક્યો તે છોડાવતી વેળાએ જોવા મળે છે. નરસિંહ ભોળાનાથનાં પણ ઉપાસક રહી કૃષ્ણભક્તિમાં ઓતપ્રોત રહ્યા છે.
કાર્યક્રમનાં ઉદઘાટક ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો. (ડો) ચેતન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધનમાં ઉપસ્થિત સહિત્યરસીક શ્રોતાઓને સંબોધતા જણાવ્યુ હતુ કે જે શહેરની અંદર સંસ્કૃતિ, કલા, સાહિત્ય, સંગીતને પ્રાધાન્ય આપવામાં આવે તે શહેરમા વાદવિવાદ ઓછા થાય છે, ત્યાં લોકોના સમજણ અને બુદ્ધિ વધતી હોય છે, હકારાત્મક અને સકારાત્મક વિચારોનું સિંચન થતું હોય છે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા નિયમિતપણે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. અમારી નેમ છે કે આવનારા દિવસોમાં કલાક્ષેત્રે કામ કરતા કલામર્મીઓને ભક્ત કવિ નરસિંહ મહેતા જીવનકવન એમ્બેસેડર તરીકે ઓળખવાની વાત કરવામાં આવશે, નિરંજનભાઈ રાજ્યગુરુને ભજનની દુનિયામાં ખેડેલ પ્રદાનને યાદ કરીને ડો. ચેતન ત્રિવેદી એ જણાવ્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુ.જી.સી.ના નવા નિયમોને ધ્યાને રાખીને નિરંજનભાઇ રાજ્યગુરુને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ બનાવવાની નેમ છે, ભક્ત કવિ નરસિંહ મહેતાએ આજથી 600 વર્ષ પહેલાં સામાજિક સમરસતાની જ્યોત જલાવી હતી, જે આજે પણ ભવનાથ તળેટીએ જતા જાણે નરસિંહ મહેતાની કરતાલ પ્રતીતિ કરાવી જતી હોય એવું ભાસે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્રિય વિસ્તારમાં અભ્યાસોત્સુક વિદ્યાર્થીઓની નરસિંહ મહેતા યુનિવર્સિટી પરત્વે રસની વાત કરતા ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ધોરણ 12 ની લેવાયેલી પરીક્ષામાં શ્રેષ્ઠતમ ગુણ હાંસલ કરનાર એક વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર નરસિંહ મહેતા યુનિવર્સિટીમા અભ્યાસ કરવાની ઉત્સુકતા દાખવી છે,આ વાતની પ્રતીતિ એ કરાવી જાય છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટી ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટી પૈકીની એક યુનિવર્સિટી હોવાનું વિદ્યાર્થીઓના માનસ પર પ્રતિબિંબિત થયું છે.આતકે ધારાસભ્ય સંજય કોરડીયા સહીત કલાવૃંદના કલાકારો દ્વારા શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા.