ગુરુપૂર્ણિમા રાજકોટના સદગુરુ આશ્રમમાં રણછોડદાસજી મહારાજના દર્શન કરવા હજારો ગુરૂ ભકતો પહોંચ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે ગુરૂપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. ગુરૂ વંદનાનું પર્વ આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરી ભકિત સાથે ઉજવાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે પરબધામ, વીરપુર, સત્તાધાર, તોરણીયા, બગદાણા સહિતના અન્ય સ્થાનો પર ગુરૂ પાદુકા પૂજન, ક્ષીરસાગર પૂજન, મહાપ્રસાદ સહિતના ભવ્ય આયોજનો થયા છે. રાત્રે સંતવાણીના કાર્યક્રમો થશે. તેમજ રાજકોટમાં સદગુરૂ આશ્રમમાં સદગુરૂદેવ પૂ. રણછોડદાસજી બાપુના ચરણ પાદુકા પૂજન તથા અન્ય ધાર્મિક આયોજનોમાં હજારો ગુરૂભકતોનો પ્રવાહ વહેલી સવારથી ઉમટી પડયો છે. ગુરૂ ભકતોની કતાર સવારથી જોવા મળી રહી છે. સવારના દસથી રાત્રીના દસ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. આખો દિવસ ભકિત સંગીત યોજવામાં આવેલ છે.રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમમાં દિવસભરના આયોજનો કરાયા છે. પરબધામ ખાતે આજે મહંત કરશનદાસબાપુના સાંનિધ્યમાં ગુરૂપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા ગુરૂ ભકતો ઉમટી પડયા છે. મહાપ્રસાદનો લાભ ભાવિકો લઇ રહ્યા છે. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અમરેલી નજીક ફતેપુર ગામે આવેલ ભોજા ભગતની જગ્યામાં ગુરૂ પાદુકા પૂજનનો લાભ મોટી સંખ્યામાં ભકતોએ લીધો છે. ચલાલા ખાતે દાનબાપુની જગ્યામાં ગુરૂપૂજન તથા સંત સભા યોજાઇ હતી. તુલસીશ્યામ નજીક આવેલ સુપ્રસિધ્ધ હિંગળાજ સન્યાસ આશ્રમ ખાતે આજે દશનામ જુના અખાડાના મહામંડલેશ્ર્વર જય અંબાનંદગિરિજી ગુરૂ મહંત હરિગિરિજી મહારાજના સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે.
યાત્રાધામ બગદાણામાં 1 લાખથી પણ વધારે ભાવિકોએ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું
પૂજ્ય સંત બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારના પાંચ કલાકે મંગલા આરતી થઈ હતી ત્યારબાદ ધ્વજા પૂજન અને ધજારોહાણ કરવામાં આવ્યું હતું.. ગુરુપૂજન 8:30 થી 9:30 કલાક વચ્ચે જ્યારે રાજભોગ આરતી, 9:30 થી 10 કલાક થઈ હતી. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આશરે 1 લાખથી પણ વધારે ભાવિકજનો બાપાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. અહીં ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા જેવા વિભાગોમાં આશરે 100 ગામના 4000 ભાઈઓ, તેમજ 25થી વધુ ગામોના 2500 ઉપરાંત બહેનો સેવા આપી રહ્યા છે. રસોડા સહિતના સેવા કાર્યો માટે આજુબાજુના ગામના 40 ટ્રેક્ટર પણ સેવામાં જોડાયા છે. રસોડા – ભોજનશાળા ખાતે શુધ્ધ ઘી ના લાડુનો 1000 મણ પ્રસાદ સહિત 500 મણ ગાંઠિયા, દાળ 150 મણ,ભાત 200 મણ, રોટલી 250 મણ તેમજ 500 મણ શાકભાજી તૈયાર કરવામાં આવ્યા હતા. ભોજન વ્યવસ્થામાં નવા રસોડે બહેનો માટે તેમજ ગોપાલગ્રામ ખાતે ભાઈઓને પ્રસાદ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
- Advertisement -
દેશ-વિદેશમાં વસતા જલારામ બાપાના ભાવિકો આજે દર્શન કરવા ઉમટી પડ્યા
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં પૂજ્ય સંત જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે, ગુરુ પૂર્ણિમાને દિવસે પૂજ્ય જલાબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધીનું પૂજન કરવામાં જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે જેમને લઈને વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, ખાસ કરીને સુરત, બારડોલી, નવસારી, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધીએ શીશ જુકાવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો આજે ખાસ કરીને ગુરૂવાર અને ગુરુપૂર્ણિમા હોવાથી ભક્તોમાં તેમનું અનેરું મહત્વ હોય ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ભાવિકો માટે ખાસ પ્રસાદ આપવામાં આવે છે.