શિવાલયો “હર હર મહાદેવ” નાદથી ગુંજી ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
શ્રાવણ માસ હિન્દુ સમાજના લોકો માટે પવિત્ર અને ભક્તિ ભાવ માટેનો મહિનો ગણવામાં આવે છે. દરેક હિન્દુ ભક્તો આ શ્રાવણ મહિના દરમિયાન શિવ મંદિરોમાં મહાદેવની પૂજા અર્ચના કરે છે. ત્યારે ઝાલાવાડમાં પણ શ્રાવણ મહિનો શરૂ થતા જ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવ મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શિવાલયોમાં ભક્તો શિવલિંગની પૂજા કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી. મહાદેવની પૂજા માટે શિવભક્તો વહેલી સવારથી મહાદેવના મંદિરે ઉમટી પડ્યા હતા અને “હર હર મહાદેવ” નાદથી દરેક શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. આ તરફ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની પણ શરૂઆત થાય છે ત્યારે ઝાલાવાડના લોકમેળા તો વિશ્ર્વ પ્રસિધ્ધ માનવામાં આવે છે તેવામાં મહાદેવની પૂજા અર્ચના સાથે લોકોએ મેળાનો પણ આનંદ માણવા માટેની તૈયારી શરૂ કરી છે.